12ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયાં છે. તાબોર અને હેર્મોન તમારા નામે હર્ષનાદ કરે છે.
13તમારો હાથ બળવાન છે અને તમારો હાથ મજબૂત તથા તમારો જમણો હાથ ઊંચો છે.
14ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે. તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.
15જેઓ તમારી સ્તુતિ કરે છે, તેઓ આશીર્વાદિત છે! હે યહોવાહ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.
16તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ કરે છે અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.
17તમે તેઓના સામર્થ્યનો મહિમા છો અને તમારી ઇચ્છા પ્રમાણે અમે વિજયવંત છીએ.
18કેમ કે અમારી ઢાલ તો યહોવાહ છે; ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે.
19ઘણા સમયો પહેલાં તમારા ભક્તોને તમે દર્શનમાં કહ્યું હતું; “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; લોકોમાંથી મેં એક યુવાનને પસંદ કરીને ઊંચો કર્યો છે.
20મેં મારા સેવક દાઉદને પસંદ કર્યો છે; મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિક્ત કર્યો છે.
21મારો હાથ તેને ટકાવી રાખશે; મારો બાહુ તેને સામર્થ્ય આપશે.
22શત્રુ તેનું નુકસાન કરી શકશે નહિ; અને દુષ્ટ લોકો તેને દુઃખ આપશે નહિ.
23તેની આગળ હું તેના શત્રુઓને પાડી નાખીશ; જેઓ તેનો ધિક્કાર કરે છે તેઓની ઉપર હું મરકી લાવીશ.
24મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેની સાથે નિરંતર રહેશે; મારા નામે તેનું શિંગ ઊંચું કરવામાં આવશે.
25હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ અને નદીઓ પર તેનો જમણો હાથ સ્થાપન કરીશ.
26તે મને પોકારીને કહેશે, 'તમે મારા પિતા છો, મારા ઈશ્વર અને મારા તારણના ખડક છો.'
27વળી હું તેને મારા પ્રથમજનિત પુત્રની જેમ, પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ.
28હું તેના ઉપર મારી કૃપા સદા રાખીશ; અને તેની સાથે મારો કરાર દ્રઢ રહેશે.
29તેના વંશજો સદા રહે એવું પણ હું કરીશ અને તેનાં સિંહાસન ઉપર તેના સંતાનને આકાશોની જેમ સ્થાયી કરીશ.
30જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે અને મારા હુકમોને આધીન નહિ રહે,
31જો તેઓ મારા વિધિઓને તોડશે અને મારી આજ્ઞાઓ નહિ પાળે,
32તો હું સોટીથી તેઓના અપરાધોની અને ફટકાથી તેઓના અન્યાયની શિક્ષા કરીશ.
33પણ હું તેઓની પાસેથી મારી કૃપા લઈ લઈશ નહિ અને હું તેઓને અવિશ્વાસુ નહિ બનું.
34હું મારો કરાર નહિ તોડું અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહિ.
35એકવાર મેં મારી પવિત્રતાના સમ ખાધા છે હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
36તેના વંશજો સર્વકાળ ટકશે અને મારી આગળ સૂર્યની જેમ તેનું રાજ્યાસન ટકશે.
37ચંદ્રની જેમ તે સદા અચળ રહેશે, આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે.” સેલાહ