Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - લૂક - લૂક 11

લૂક 11:21-53

Help us?
Click on verse(s) to share them!
21બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે;
22પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેનાં પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે.
23જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું નથી કરતો તે ફેલાવે છે.
24અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી નીકળ્યા પછી નિર્જળ જગ્યાઓમાં વિસામો શોધતો ફરે છે; પણ તે ન મળતાં, તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ.
25અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું તથા શોભાયમાન કરેલું હોય છે.
26ત્યારે તે જઈને પોતાના કરતા દુષ્ટ એવા બીજા સાત દુષ્ટાત્માઓને સાથે લઈ આવે છે; અને તેઓ એકસાથે ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે.'
27એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, 'જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.'
28પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે.'
29સંખ્યાબંધ લોકો તેમની પાસે ભેગા થયા હતા ત્યારે તે કહેવા લાગ્યા કે, 'આ પેઢી તો દુષ્ટ પેઢી છે; તે ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાનાં ચમત્કારિક ચિહ્ન વિના બીજું ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ.
30કેમ કે જેમ યૂના નિનવેહના લોકોને માટે નિશાનીરૂપ થયો, તેમ માણસનો દીકરો પણ આ પેઢીને નિશાનીરૂપ થશે.'
31દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને અપરાધી ઠરાવશે; કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી, અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
32નિનવેહના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો; અને જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
33કોઈ માણસ દીવો સળગાવીને તેને ભોંયરામાં કે માપ તળે મૂકતો નથી, પણ દીવી પર મૂકે છે એ માટે કે અંદર આવનારાઓ તેનું અજવાળું જુએ.
34તારા શરીરનો દીવો તારી આંખ છે; જયારે તારી આંખ સ્વચ્છ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું થશે; પણ તે ખરાબ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ અંધકારે ભરેલું રહેશે;
35તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહે.
36જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ હોય તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ તારું આખું શરીર પ્રકાશથી ભરેલું થશે.'
37ઈસુ બોલતા હતા ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેમને નિમંત્રણ આપ્યું, ઈસુ તેની પાસે જઈને જમવા બેઠા.
38ભોજન પહેલાં ઈસુએ હાથ ધોયા નહિ, તે જોઈને ફરોશી આશ્ચર્ય પામ્યો.
39પ્રભુએ તેને કહ્યું કે, 'તમે ફરોશીઓ તો થાળીવાટકો બહારથી સાફ કરો છો; પણ તમારું અંતર જુલમ તથા દુષ્ટતાથી ભરેલું છે.
40અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું, તેણે અંદરનું પણ બનાવ્યું નથી શું?
41જે અંદર છે તે પ્રમાણે તમારે દાન અને જુઓ, પછી તમને બધું શુદ્ધ છે.
42પણ તમ ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો તથા રિયું તથા સઘળી ખાવાલાયક વનસ્પતિનો દસમો ભાગ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ પડતાં મૂકો છો; તમારે આ કરવાં જોઈતાં હતાં અને એ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.
43તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચોકમાં સલામો ચાહો છે.
44તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેનાં ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.'
45ત્યારે નિયમશાસ્ત્રીઓમાંના એકે તેને ઉત્તર આપતા કહ્યું કે, 'ઉપદેશક, એમ કહેવાથી તમે અમારું પણ અપમાન કરો છો.'
46ઈસુએ કહ્યું કે, 'ઓ નિયમશાસ્ત્રીઓ, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઊંચકતાં મહામુસીબત પડે છે, અને તમે પોતે એ બોજાને તમારી એક આંગળી પણ લગાડતા નથી.
47તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, જેઓને તમારા બાપદાદાઓએ મારી નાખ્યા હતા.
48તો તમે સાક્ષીઓ છો, અને તમારા બાપદાદાઓનાં કામોને સંમતિ આપો છો; કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે તેમની કબરો બાંધો છો.
49એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું કે, હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ, અને તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે તથા સતાવશે;
50જેથી સૃષ્ટિના આરંભથી સઘળા પ્રબોધકોના વહેવડાવેલા લોહીનો બદલો આ પેઢીના લોકો પાસેથી લેવામાં આવે;
51હા, હું તમને કહું છું કે 'હાબેલના લોહીથી તે ઝખાર્યા જે યજ્ઞવેદી તથા પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોક પાસેથી લેવાશે.
52તમો નિયમશાસ્ત્રીઓને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર ગયા નહિ, અને જેઓ અંદર જતા હતા તેઓને તમે અટકાવ્યા.'
53ઈસુ ત્યાંથી નીકળ્યા, ત્યાર પછી શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે બોલવાને ઉશ્કેરવા લાગ્યા.

Read લૂક 11લૂક 11
Compare લૂક 11:21-53લૂક 11:21-53