2હું તમને ઉત્તમ બોધ આપું છું; મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.
3જ્યારે હું મારા પિતાનો માનીતો દીકરો હતો, ત્યારે હું મારી માતાની દૃષ્ટિમાં સુકુમાર તથા એકનોએક હતો,
4ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતું કે, “તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે અને મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે.
5ડહાપણ પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; એ ભૂલીશ નહિ અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ.
6ડહાપણનો ત્યાગ ન કરીશ અને તે તારું રક્ષણ કરશે, તેના પર પ્રેમ રાખજે અને તે તારી સંભાળ રાખશે.
7ડહાપણ એ ખૂબ જ મહત્વની બાબત છે, તેથી ડહાપણ પ્રાપ્ત કર અને તારું જે કંઈ છે તે આપી દે, એનાથી તને બુદ્ધિ પ્રાપ્ત થશે.
8તેનું સન્માન કર અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે; જ્યારે તું તેને ભેટશે, ત્યારે તે તને પ્રતિષ્ઠિત કરશે.
9તે તારા માથાને શોભાનો શણગાર પહેરાવશે; તે તને તેજસ્વી મુગટ આપશે.”
10હે મારા દીકરા, મારી વાતો સાંભળીને ધ્યાન આપ એટલે તારા આયુષ્યનાં વર્ષો વધશે.
11હું તને ડહાપણનો માર્ગ બતાવીશ; હું તને પ્રામાણિકપણાને માર્ગે દોરીશ.
12જ્યારે તું ચાલશે, ત્યારે તારાં રસ્તામાં કોઈ ઊભો રહી નહિ શકે અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ.
13શિખામણને મજબૂત પકડી રાખ, તેને છોડતો નહિ; તેની કાળજી રાખજે, કારણ કે તે જ તારું જીવન છે.
14દુષ્ટ માણસોના માર્ગને અનુસરીશ નહિ અને ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ.
15તે માર્ગે ન જા, તેનાથી દૂર રહેજે; તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા.
16કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી અને કોઈને ફસાવે નહિ, તો તેમની ઊંઘ ઊડી જાય છે.
17કારણ કે તેઓ દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે.
18પણ સદાચારીઓનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે; જે દિવસ થતાં સુધી વધતો અને વધતો જાય છે.
19દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે, તેઓ શા કારણથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.
20મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ; મારાં વચન સાંભળ.