1યહોવાહ કહે છે કે; ''જુઓ, હું બાબિલની વિરુદ્ધ, તથા લે-કામાયમાં વસનારા વિરુદ્ધ વિનાશક વાયુ લાવીશ.
2હું વિદેશીઓને બાબિલમાં મોકલીશ; તેઓ તેને વેરવિખેર કરી અને તેને ઉજ્જડ કરશે, વિપત્તિના દિવસે તેઓ તેને ચારેબાજુથી ઘેરી લેશે
3ધર્નુધારીઓને તેઓનું બાણ ખેંચવા દેશો નહિ; તેઓને બખતર પહેરવા દેશો નહિ. તેઓના સૈનિકો પર દયા ન બતાવશો; તેઓના સૈન્યનો નાશ કરો.
4ખાલદીઓના દેશમાં તેઓની હત્યા થઈને પડશે અને તેની શેરીઓમાં તેઓના મૃતદેહો પડ્યા રહેશે.
5કેમ કે, ઇઝરાયલ અને યહૂદિયા તેઓના ઈશ્વર સૈન્યોના યહોવાહથી તજાયેલા નથી. જોકે તેઓની ભૂમિ ઈશ્વરની વિરુદ્ધ કરેલાં અપરાધોથી ભરેલી છે.
6બાબિલમાંથી નાસી જાઓ. સૌ પોતપોતાના જીવ બચાવવા નાસી જાઓ! બાબિલના પાપે તમે મરશો નહિ, કેમ કે બદલો લેવાનો યહોવાહનો આ સમય છે. તે તેને ઘટતી સજા કરી રહ્યા છે.
7બાબિલ તો યહોવાહના હાથમાં સોનાના પ્યાલા સમું હતું. તેણે સમગ્ર સૃષ્ટિને તેનો દ્રાક્ષારસ પીવડાવ્યો છે. પ્રજાઓએ તે પીધો અને લોકો ઘેલા થયા.
8પરંતુ હવે બાબિલનું અચાનક પતન થયું છે. તે ભાંગ્યું છે. તેને માટે ચિંતા કરો, તેના ઘા માટે ઔષધિ લઈ આવો. કદાચ તે સાજું થાય પણ ખરું.
9બાબિલના ઘા રૂઝવવા અમારાથી શક્ય તેટલો પ્રયત્ન અમે કર્યો, પરંતુ તે સ્વસ્થ ન થયું. તેને છોડી દો, ચાલો આપણે સહુ પોતપોતાના દેશમાં પાછા ફરીએ, કેમ કે તેનું શાસન આકાશ સુધી પહોંચ્યું છે. તે ગગન સુધી ઊંચું ચઢ્યું છે.
10યહોવાહે કહ્યું કે આપણે ન્યાયી છીએ. ચાલો, આપણા યહોવાહે જે સર્વ કર્યું છે તે આપણે યરુશાલેમમાં જઈને કહી સંભળાવીએ.
11તમારાં બાણને ધારદાર બનાવો. તમારાં ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કેમ કે બાબિલ પર ચઢાઈ કરી તેનો વિનાશ કરવા યહોવાહે માદીઓના રાજાઓને કહ્યું છે, કેમ કે બાબિલનો નાશ કરવાનો તેનો સંકલ્પ છે, અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવાહ વૈર વાળી રહ્યાં છે.
12બાબિલની દીવાલો પર આક્રમણ કરવા માટે સંકેત આપો, સંરક્ષણ મજબૂત કરો. અને ચોકીદારોને શહેરની આસપાસ ગોઠવો; ઓચિંતો છાપો મારવા માટે છુપાઈ રહો, કેમ કે યહોવાહે જે કહ્યું છે તે સર્વ તે સંપૂર્ણ કરશે.
13તમે બાબિલની નદીઓને કાંઠે વસવાટ કરો અને તેની વિપુલ સમૃદ્ધિને માણો. તારો અંત આવ્યો છે; તારી જીવનદોરી કપાઇ જશે.
14સૈન્યોના યહોવાહે પોતાના નામના સમ ખાઈને પ્રતિજ્ઞા કરી છે કે, ''હું તીડોનાં ટોળાંની જેમ ગણ્યા ગણાય નહિ તેટલાં માણસોને તારી સામે લાવીશ અને તેઓ તારો પરાજય કરી વિજયનાદ કરશે.
15યહોવાહે પોતાની શક્તિ અને બુદ્ધિથી પૃથ્વીનું સર્જન કર્યું છે, પોતાના ડહાપણથી તેને સ્થિર કરીને સ્થાપી છે અને પોતાના કૌશલથી આકાશને વિસ્તાર્યું છે.
16જ્યારે તે બોલે છે, ત્યારે આકાશમાં ગર્જના થાય છે. દુનિયાના દૂર દૂરના ખૂણેથી તે વાદળોને ઉપર ચઢાવે છે. તે વરસાદ લાવે છે અને સાથે વીજળી ચમકાવે છે. અનેે પવનને મોકલે છે.
17તેમની સરખામણીમાં સર્વ માણસો મૂર્ખ છે, તેઓને કશી ખબર નથી. દરેક પોતે બનાવેલી મૂર્તિ જોઈને લજ્જિત થાય છે, કેમ કે તે બધી મૂર્તિઓ તો ખોટી છે. પ્રાણ વગરની છે.
18મૂર્તિઓ વ્યર્થ છે, હાંસીપાત્ર છે, તે ખોટી છે; તેઓને સજા કરશે ત્યારે તે સર્વનો નાશ કરશે.
19પરંતુ યાકૂબના ઈશ્વર એવા નથી, તે તો સમગ્ર સૃષ્ટિના સર્જક છે. અને ઇઝરાયલીઓને તે પોતાની પ્રજા ગણે છે, તેમનું નામ સૈન્યોના યહોવાહ છે.
20યહોવાહ કહે છે, ''હે બાબિલ નગરી, તું મારી ફરશી તથા યુદ્ધશસ્ત્રો છે. તારા વડે હું સર્વ પ્રજાઓનું ખંડન કરીશ. અને તારા વડે હું રાજ્યોનો નાશ કરીશ.
21તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને અને રથ તથા રથસવારોને કચડી નાખીશ.
22તારાથી હું પુરુષ તથા સ્ત્રીનું ખંડન કરીશ. તારાથી વૃદ્ધો તથા જુવાનોને નષ્ટ કરીશ. તારાથી હું છોકરાઓ તથા કન્યાઓનું ખંડન કરીશ.
23ઘેટાંપાળકોને તથા ઘેટાબકરાનાં ટોળાંને, ખેડૂતોને તથા બળદોને, કપ્તાનોને તથા અધિકારીઓને હું કચડી નાખીશ.
24બાબિલને તથા કાસ્દીઓના બધા લોકોને, તેઓએ સિયોનમાં આચરેલા કુકમોર્ને લીધે હું સજા કરીશ. તે હું તમારી નજર સામે જ કરીશ.'' એવું યહોવાહ કહે છે.
25યહોવાહ કહે છે, જુઓ, હે બળવાન પર્વત બાબિલ, પૃથ્વીનો નાશ કરનાર, હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તારી ઊંચાઇઓ પરથી તને નીચે ગબડાવીશ. અને અગ્નિથી ભસ્મ થયેલા પર્વત જેવો કરી તને છોડી દઈશ.
26તારો કોઈ પણ પથ્થર બાંધકામ માટે કે પાયાના પથ્થર તરીકે પણ નહિ વપરાય. તું સદાને માટે ખંડેર રહેશે.'' એવું યહોવાહ કહે છે.
27પૃથ્વી પર ઝંડો ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો, વિદેશીઓને સજ્જ કરો. અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને તેની સામે લડવા બોલાવો, તેની સામે હુમલો કરવાને સેનાપતિ નીમો. તીડોનાં ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો.
28તેની વિરુદ્ધ, માદીઓના રાજાઓ વિરુદ્ધ અને તેના અધિકારીઓ અને અમલદારો સાથે તે સર્વ દેશોના લોકો જે તે તેના રાજ્યનો ભાગ છે તેઓની વિરુદ્ધ લડાઇને માટે તૈયારી કરો.
29દેશ ધ્રૂજી ઊઠે છે અને પીડાય છે, કેમ કે બાબિલ વિરુદ્ધ યહોવાહનો સંકલ્પ દૃઢ છે. યહોવાહ બાબિલને નિર્જન વગડો બનાવવાની તેમની પોતાની યોજના પાર પાડે છે.
30બાબિલના અતિ પરાક્રમી યોદ્ધાઓ હવે યુદ્ધ કરતા નથી. તેઓ કિલ્લાઓમાં ભરાઈ ગયા છે, તેઓ હિંમત હારી ગયા છે. અને સ્ત્રીઓ જેવા થઈ ગયા છે. આક્રમણ કરનારાઓએ તેઓનાં ઘરો બાળી નાખ્યાં છે અને નગરના દરવાજાઓ તોડી નાખ્યા છે.
31આખું શહેર કબજે થઈ ગયું છે તેવું કહેવાને ચારેબાજુથી સંદેશાવાહકો એક પાછળ એક બાબિલના રાજા પાસે દોડી આવ્યા છે.
32નદી પાર કરવાના દરેક રસ્તાઓ કબજે કરાયા છે. બરુની ઝાડીઓને આગ લગાડવામાં આવી છે, અને સૈનિકો ગભરાઈ ગયા છે.
33સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે;'' બાબિલની સ્થિતિ તો ઘઉં ઝૂડવાની ખળી જેવી છે જ્યાં ઘઉં ઝૂડવાના છે. થોડી વાર પછી ત્યાં લણણીની ઊપજને ધોકાવાનું શરૂ થશે.
34યરુશાલેમ કહે છે, 'બાબિલનો રાજા નબૂખાદરેસ્સાર મને ખાઈ ગયો છે તેણે મને ચૂસી લીધું છે, તેણે મને ખાલી પ્યાલાની જેમ એક બાજુએ ફગાવી દીધું છે. તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે, અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે અને અમારા પોતાના શહેરમાંથી અમને નસાડી મૂક્યા છે.'
35યરુશાલેમના લોકો બોલી ઊઠશે, ''અમારી પર કરેલાં દુષ્કૃત્યો બદલ બાબિલને સજા મળો! અમારું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે તેની પૂરી કિંમત તેને ચૂકવવા દો!''
36આથી યહોવાહ પોતાના લોકોને કહે છે, હું તમારો પક્ષ લઈશ અને તમારું વૈર વાળીશ. હું બાબિલની નદીને સૂકવી નાખીશ અને તેના ઝરણાને વહેતું બંધ કરી દઈશ.
37અને બાબિલના ઢગલા થશે. તે શિયાળવાંની બોડ થશે. તે વસ્તીહીન થઈને વિસ્મય તથા હાંસી ઉપજાવે તેવું થશે.
38બાબિલવાસીઓ બધા ભેગા થઈને સિંહની જેમ ગર્જના કરે છે. સિંહના બચ્ચાની જેમ ઘૂરકાટ કરે છે.
39જ્યારે તેઓ તપી જઈને મસ્ત બનશે ત્યારે હું તેઓને માટે ઉજાણી કરીશ, જેમાં તેઓ મોજ કરે અને સદાની નિદ્રામાં પડે. તેઓ સદાને માટે ઊંઘી જશે અને ફરીથી કદી જાગશે નહિ, માટે હું તેઓને મગ્ન કરીશ એવું યહોવાહ કહે છે.
40હું તેઓને હલવાનોની જેમ બકરાંસહિત ઘેટાંઓની જેમ કતલખાનામાં લઈ જઈશ.
41શેશાખને કેવો જીતી લેવામાં આવ્યો છે! આખી પૃથ્વીમાં પ્રશસિત થયેલો તે કેવો પકડાયો છે! બાબિલ અન્ય પ્રજાઓમાં કેવો ઉજ્જડ થયો છે!
42બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે. તેનાં મોજાઓએ તેને ઢાંકી દીધું છે.
43તેના નગરો ખંડેર સ્થિતિમાં પડ્યાં છે. સમગ્ર દેશ સૂકા અરણ્ય સમાન થઈ ગયો છે. ત્યાં કોઈ રહેતું નથી અને તેમાં થઈને યાત્રીઓ પણ પસાર થતા નથી.
44યહોવાહ કહે છે, ''હું બાબિલમાં બેલને સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી પાછું કાઢીશ. પ્રજાઓ તેની પાસે આવશે નહિ અને તેની પૂજા કરશે નહિ. અને બાબિલની ફરતે આવેલી દીવાલો પડી જશે.
45ઓ મારી પ્રજા, બાબિલમાંથી નાસી જાઓ; યહોવાહના ભયંકર રોષમાંથી સૌ પોતપોતાના જીવ બચાવો.
46હિંમત હારશો નહિ, દેશમાં ફેલાતી અફવાઓથી ગભરાઈ જશો નહિ, એક વર્ષે એક અફવા ફેલાય છે, અને બીજે વર્ષે બીજી ફેલાઈ છે. દેશમાં બધે આંતરિક યુદ્ધો અને જુલમ ચાલી રહ્યા છે.
47તેથી, જુઓ એવા દિવસો આવી રહ્યા છે, કે જ્યારે બાબિલની મૂર્તિઓને હું સજા કરનાર છું. આખો દેશ લજ્જિત થશે, અને તેના બધા માણસો કપાઇને પડ્યા હશે.
48ત્યારે આકાશ અને પૃથ્વી તેમ જ તેમાંનું સર્વ બાબિલના પતનથી હર્ષના પોકારો કરશે. એવું યહોવાહ કહે છે. ઉત્તરમાંથી લોકો આવીને તેનો નાશ કરશે,
49''બાબિલે જેમ ઇઝરાયલના કતલ થયેલાઓને પાડ્યા છે. તેમ બાબિલના કતલ થયેલાઓને તેઓએ પાડ્યા છે.
50તમે જેઓ તેની તરવારનો ભોગ બનતા બચી ગયા છો, તે નાસી જાઓ રોકાશો નહિ દૂર દેશમાં, યહોવાહને સંભારજો અને યરુશાલેમને ભૂલશો નહિ.''
51અમે નિંદા સાંભળી છે. તેથી અમે લજ્જિત થયા છીએ, કેમ કે, વિદેશીઓ યહોવાહના ઘરમાં પેસી ગયા છે.
52તેથી યહોવાહ કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે હું બાબિલની મૂર્તિઓને સજા કરીશ અને સમગ્ર દેશમાં ઘાયલ થયેલા માણસો નિસાસા નાખશે.
53જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ અને તે પોતાના ઊંચા કોટોની કિલ્લેબંધી કરે તોપણ મારી પાસેથી તેના પર વિનાશક આવશે.' એવું યહોવાહ કહે છે.
54બાબિલમાંથી આવતા રુદનનાસ્વર અને જ્યાં ખાલદીઓ શાસન કરે છે ત્યાંથી આવતા ભયંકર વિનાશના અવાજો સંભળાય છે.
55યહોવાહ બાબિલનો વિનાશ કરી રહ્યા છે. અને તેના કોલાહલને શમાવી રહ્યા છે. શત્રુઓનું સૈન્ય મહાસાગરના તરંગોની જેમ ગર્જના અને ઘૂઘવાટા કરતું ધસી રહ્યું છે.
56કેમ કે તેના પર એટલે બાબિલ પર વિનાશક આવી પહોંચ્યો છે. તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે અને તેઓનાં ધનુષ્ય તોડી પડાયાં છે, કેમ કે યહોવાહ તો પ્રતિફળ આપનારા ઈશ્વર છે.; તે નિશ્ચે બદલો લેશે.
57સૈન્યોના યહોવાહ કહે છે, ''હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, અધિકારીઓને તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ, તેઓ અનંત નિદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ.
58બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઈ જશે, તેના ઊંચા દરવાજાને આગ ચાંપવામાં આવશે, જે બાંધવા માટે ઘણા લોકોએ પોતાની જાતને ઘસી નાખી હતી તે બધું ભસ્મ થઈ જશે, લોકોએ કરેલી બધી મહેનત ધૂળમાં મળી જશે.''
59યહૂદિયાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે યહૂદિયાના રાજા માસેયાના દીકરા નેરિયાનો દીકરા સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યર્મિયા પ્રબોધકે સરાયાને આપી તે આ છે. સરાયા તો લશ્કરનો વહીવટદાર હતો.
60યર્મિયાએ એક પુસ્તકમાં બાબિલ પર આવનારી આફતનું પૂરું વર્ણન અહીં જે બધું નોંધવામાં આવેલું છે તે લખી કાઢયું હતું.
61તેણે સરાયાને કહ્યું, જ્યારે તું બાબિલ પહોંચે ત્યારે આમાંના શબ્દે શબ્દ અચૂક વાંચી સંભળાવજે.
62અને કહેજે કે, હે યહોવાહ, તમે જાતે જાહેર કર્યું છે કે, આ જગ્યાનો નાશ કરવામાં આવશે, અહીં ફરી કોઈ વાસો કરશે નહિ. માણસ કે પશુ કોઈ નહિ. તે સદાકાળ ઉજ્જડ રહેશે.'
63જ્યારે તું આ પુસ્તક વાંચી રહે ત્યારે તેને પથ્થરો બાંધીને ફ્રાત નદીની વચ્ચોવચ્ચ નાખી દેજે.
64અને કહે જે કે, આવા જ હાલ બાબિલના થશે, યહોવાહ બાબિલ પર એવી આફત લાવનાર છે જેથી તે ડૂબી જાય અને ફરી કદી ઉપર આવે નહિ.''' અહીં યર્મિયાનાં વચન પૂરાં થાય છે.