1પરાત્પરના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2હું યહોવાહ વિષે કહીશ કે, “તે મારા આશ્રય અને ગઢ છે, એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”
3કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી અને નાશકારક મરકીથી બચાવશે.
4તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે આશ્રય મળશે. તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.
5રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,
6અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.
7તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.
8તું માત્ર નજરે જોશે અને તું દુષ્ટોને મળેલો બદલો જોશે.
9કારણ કે યહોવાહ મારા આધાર છે! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે.
10તારા પર કંઈ દુઃખ આવી પડશે નહિ; મરકી તારા ઘરની પાસે આવશે નહિ.