2મારી વાત પર ધ્યાન આપીને મને ઉત્તર આપો; હું શોકને કારણે અશાંત છું અને વિલાપ કરું છું.
3દુશ્મનોના અવાજને લીધે અને દુષ્ટોના જુલમને લીધે, હું વિલાપ કરું છું; કેમ કે તેઓ મારા પર અન્યાય કરવાનો દોષ મૂકે છે અને ક્રોધથી મને સતાવે છે.
4મારા હૃદયમાં મને ઘણી વેદના થાય છે અને મૃત્યુનો ભય મારા પર આવી પડ્યો છે.
5મને ત્રાસથી ધ્રૂજારી આવે છે અને ભયથી ઘેરાયેલો છું.
6મેં કહ્યું, “જો મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું! તો હું દૂર ઊડી જઈને વિશ્રામ લેત.
7હું અરણ્યમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત. સેલાહ
8પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને ઉતાવળે આશ્રયસ્થાને જઈ પહોંચત.”
9હે પ્રભુ, તેઓનો નાશ કરો અને તેઓની ભાષાઓ બદલી નાખો, કેમ કે મેં નગરમાં બળાત્કાર તથા ઝઘડા જોયા છે.
10તેઓ રાતદિવસ તેના કોટ પર આંટા મારે છે; અને તેની મધ્યે દુષ્ટતા તથા હાનિ ચાલુ રહી છે.
11તેની વચ્ચે બૂરાઈ છે; જુલમ તથા ઠગાઈ તેના રસ્તા પરથી ખસતાં નથી.
12કેમ કે મને જે ઠપકો આપનારો હતો તે મારો શત્રુ ન હતો, એ તો મારાથી સહન કરી શકાત; મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે મારો શત્રુ ન હતો, એવાથી તો હું સંતાઈ રહી શકત.