1સામર્થ્યવાન, ઈશ્વર, યહોવાહ, બોલ્યા છે અને તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.
2સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે, તેમાંથી ઈશ્વર પ્રકાશે છે.
3આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે અને તેમની આસપાસ મહાતોફાન જાગશે.
4પોતાના લોકોનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે.
5“જેઓએ બલિદાનથી મારી સાથે કરાર કર્યો છે; એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”
6આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે.
7“હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.
8તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનાર્પણો નિરંતર મારી આગળ થાય છે.
9હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.