5તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા થાય, તેઓને યહોવાહનો દૂત નસાડી મૂકો.
6તેઓનો માર્ગ અંધકારમય અને લપસણો થાઓ, યહોવાહનો દૂત તેઓની પાછળ પડો.
7તેઓએ વગર કારણે મારે માટે ખાડામાં પોતાની જાળ સંતાડી રાખી છે; વિનાકારણ તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે.
8તેઓના પર અચાનક વિપત્તિ આવી પડો. પોતાના ફાંદામાં તેઓ પોતે જ ફસાઈ પડો. પોતાના ખોદેલા ખાડામાં પડીને તેઓનો સંહાર થાઓ.
9પણ હું યહોવાહમાં આનંદ કરીશ અને તેમના ઉદ્ધારમાં હર્ષ પામીશ.
10મારા સઘળા બળથી હું કહીશ કે, “હે યહોવાહ, તમારા જેવું કોણ છે? જે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”
11જૂઠા સાક્ષીઓ ઊભા થાય છે; તેઓ મારા પર આરોપ મૂકે છે.
12તેઓ ભલાઈને બદલે મને બુરું પાછું આપે છે. જેથી હું અનાથ થઈ જાઉં છું.
13પણ, જ્યારે તેઓ બીમાર હતા, ત્યારે હું ટાટ પહેરતો; હું ઉપવાસથી મારા જીવને દુઃખી કરતો અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી.