3હું યહોવાહને વિનંતિ કરીશ તે સ્તુતિપાત્ર છે અને એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.
4મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.
5શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ઘેરી લીધો છે; મૃત્યુના પાશ મારા પર આવી પડ્યા છે.
6મારા સંકટમાં મેં યહોવાહને વિનંતિ કરી; મદદને માટે મેં મારા ઈશ્વરને વિનંતિ કરી. તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો; તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી.
7ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી; વળી, પર્વતોના પાયા ખસી ગયા અને હાલવા લાગ્યા કેમ કે ઈશ્વર ગુસ્સે થયેલા હતા.
8તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો. તેથી કોલસા સળગી ઊઠ્યા.
9તે આકાશોને નમાવીને નીચે ઊતર્યા અને તેમના પગની નીચે ઘોર અંધકાર હતો.
10તે કરુબ પર સવારી કરીને ઊડ્યા; તે પવનની પાંખોની જેમ ઊડ્યા.
11તેમણે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષના ગાઢા વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યું.
12તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢ વાદળ જતાં રહ્યાં, કરા તથા અગ્નિના અંગારા વરસ્યા.
13યહોવાહે આકાશમાં ગર્જના કરી! પરાત્પરે મોટો અવાજ કાઢ્યો અને કરા તથા વીજળીના ચમકારા થયા.
14તેમણે બાણ મારીને તેના શત્રુઓને મારી નાખ્યા; તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.