23હુરામે ભરતરનો હોજ બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુધી દસ હાથ હતો. તેનો આકાર ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી.
24તેની ધારની નીચે ચારે તરફ ફરતી કળીઓ પાડેલી હતી, દર હાથે દસ કળીઓ પ્રમાણે હોજની આસપાસ પાડેલી હતી. એ કળીઓની બે હારો હોજની સાથે જ ઢાળવામાં આવી હતી.
25હોજ બાર બળદના શિલ્પ પર મૂકેલો હતો. એ બળદોનાં ત્રણનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં દક્ષિણ તરફ, ત્રણનાં પશ્ચિમ તરફ અને ત્રણનાં પૂર્વ તરફ હતાં. હોજ તેમના પર મૂકેલો હતો અને તે બધાની પૂઠો અંદરની બાજુએ હતી.
26હોજની જાડાઈ ચાર આંગળ જેટલી હતી, તેની ધારની બનાવટ વાટકાની ધારની બનાવટની જેમ કમળના ફૂલ જેવી હતી. હોજ બે હજાર બાથ પાણી સમાઈ શકે એટલી ક્ષમતા ધરાવતો હતો.
27તેણે પિત્તળના દસ ચોતરા બનાવ્યા. દરેક ચોતરાની લંબાઈ ચાર હાથ અને તેની ઊંચાઈ ત્રણ હાથ હતી.
28તે ચોતરાની બનાવટ આ પ્રમાણે હતી. તેઓને તકતીઓ હતી અને તકતીઓ ચોકઠાંની વચ્ચે હતી.
29ચોકઠાંની વચ્ચેની તકતીઓ પર, સિંહો, બળદો તથા કરુબો કોતરેલા હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા બળદોની નીચે ઝાલરો લટકતી હતી.
30તે દરેક ચોતરાને પિત્તળનાં ચાર પૈડાં અને પિત્તળની ધરીઓ હતી. તેના ચાર પાયાને ટેકો હતો. એ ટેકા કૂંડાની નીચે ભરતરના બનાવેલા હતા અને દરેકની બાજુએ ઝાલરો હતી.
31મથાળાનું ખામણું અંદરની તરફ ઉપર સુધી એક હાથનું હતું. અને તેનું ખામણું બેસણીની બનાવટ પ્રમાણે ગોળ તથા ઘેરાવામાં દોઢ હાથ હતું. તેના કાના પર નકશીકામ હતું અને તેમની તકતીઓ ગોળ નહિ પણ ચોરસ હતી.
32ચાર પૈડાં તકતીઓની નીચે હતાં. પૈડાંની ધરીઓ ચોતરામાં જડેલી હતી. દરેક પૈડાંની ઊંચાઈ દોઢ હાથ હતી.
33પૈડાંની બનાવટ રથના પૈડાંની બનાવટ જેવી હતી. તેમની ધરીઓ, તેમની વાટો, તેમના આરા તથા તેમનાં નાભિચક્કરો એ બધા ઢાળેલાં હતાં.
34દરેક ચોતરાને ચાર ખૂણે ચાર ટેકાઓ હતા, તેના ટેકા ચોતરાની સાથે જ સળંગ બનાવેલા હતા.
35ચોતરાને મથાળે અડધો હાથ ઊંચો ઘુંમટ હતો. ચોતરાને મથાળે તેના ટેકા અને તેની તકતીઓ તેની સાથે સળંગ હતાં.
36તે તકતીઓ પર જયાં ખાલી જગ્યા હતી ત્યાં કરુબ, સિંહો અને ખજૂરનાં વૃક્ષો કોતરેલાં હતાં અને તેની ફરતે ઝાલરો હતી.
37આ રીતે તેણે દસ ચોતરા બનાવ્યા. તે બધા જ ઘાટમાં, માપમાં અને આકારમાં એક સરખા હતા.