10ઈસુએ કહ્યું કે, 'લોકોને બેસાડો.' તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી.
11ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેંચું.
12તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, 'કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠો કરો.'
13માટે તેઓએ તે એકઠો કર્યો અને તે જવની પાંચ રોટલીમાંનો જે વધેલા ટુકડાં જમનારાંઓએ રહેવા દીધાં હતા, તેઓની બાર ટોપલી ભરી.
14માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, 'જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.'
15લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.
16સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા.
17હોડીમાં બેસીને તેઓ કપર-નાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા.
18ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.
19જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા.
20પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'એ તો હું છું, ગભરાશો નહિ.'
21ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.
22બીજે દિવસે, જે લોકો સમુદ્રને પેલે કિનારે ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી. અને તે હોડીમાં ઈસુ પોતાના શિષ્યો સાથે ગયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા.
23(તોપણ જ્યાં પ્રભુએ સ્તુતિ કર્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી બીજી હોડીઓ આવી.)
24માટે જયારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપર-નાહૂમ આવ્યા.
25પછી સમુદ્રને પેલે કિનારે તેઓએ તેમને મળીને પૂછ્યું કે, 'ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?'
26ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, તમે ચમત્કારિક ચિહ્નો જોયા તે માટે મને શોધતાં નથી, પણ તમે રોટલી ખાઈને તૃપ્ત થયા તે માટે શોધો છો.
27જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.'
28ત્યારે તેઓએ તેમને પૂછ્યું કે, 'અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?'
29ઈસુએ તેઓને કહ્યું કે, 'જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.'
30માટે તેઓએ તેમને કહ્યું, “તમે કયું ચમત્કારિક ચિહ્ન દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો?
31અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્ના ખાધું, જેમ લખેલું છે કે, તેમણે સ્વર્ગમાંથી તેઓને ખાવાને રોટલી આપી.”
32ત્યારે ઈસુએ તેઓને કહ્યું, 'હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, 'તે રોટલી મૂસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી, પણ સ્વર્ગમાંથી જે ખરી રોટલી આવે છે, તે મારા પિતા તમને આપે છે.
33કેમ કે સ્વર્ગમાંથી જે ઊતરીને માનવજગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.'
34ત્યારે તેઓએ ઈસુને કહ્યું કે, 'પ્રભુ, તે રોટલી સદા અમને આપો.'
35ઈસુએ તેઓને કહ્યું, 'જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.
36પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ કરતા નથી.
37પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.
38કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું.
39જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે સર્વ આપ્યું છે, તેમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લાં દિવસે તેને પાછું ઉઠાડું.
40કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.'
41એ માટે યહૂદીઓએ તેમને વિષે બડબડાટ કર્યો; કેમ કે તેમણે કહ્યું હતું કે, 'સ્વર્ગમાંથી ઊતરેલી રોટલી હું છું.'
42તેઓએ કહ્યું કે, 'યૂસફનો દીકરો, ઈસુ જેનાં માતાપિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, સ્વર્ગમાંથી હું ઊતર્યો છું?'
43ઈસુએ જવાબ આપ્યો કે, 'તમે અંદરોઅંદર બડબડાટ ન કરો.
44જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.