10મારા પ્રીતમે મને કહ્યું, “મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠ અને મારી સાથે બહાર આવ.
11જો, શિયાળો સમાપ્ત થયો છે; વરસાદ પણ પૂરો થયો છે.
12ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે; કાપણીનો તથા પક્ષીઓના કલરવનો સમય આવ્યો છે, આપણા દેશમાં કબૂતરોનો સ્વર સંભળાય છે.
13અંજીરના ઝાડ પર લીલાં અંજીર પાકે છે, અને દ્રાક્ષાવેલામાં ફૂલો ખીલ્યાં છે, તેઓ પોતાની ખુશ્બો ફેલાવે છે. મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને બહાર નીકળી આવ.
14હે ખડકની ફાટોમાં, પર્વતની ગુપ્ત ફાટોમાં રહેનારી મારી હોલી, મને તારો ચહેરો જોવા દે, તારો અવાજ સાંભળવા દે. કેમ કે તારો અવાજ મીઠો છે અને તારો ચહેરો ખૂબસૂરત છે.”
15શિયાળવાં, નાનાં શિયાળવાંને મારા માટે પકડો, તે દ્રાક્ષાવાડીઓને બગાડે છે, અમારી દ્રાક્ષાવાડી ફૂલોથી ખીલી રહી છે.
16મારો પ્રીતમ મારો છે, હું તેની છું; તે પોતાનાં ટોળાં ગુલછડીઓમાં ચરાવે છે.
17હે મારા પ્રીતમ ચાલ્યો જા, પરોઢિયાનો શીતળ પવન વહે તે પહેલાં અને તારો પડછાયો પડે તે પહેલાં, ચાલ્યો જા; પર્વતો પરનાં ચપળ હરણાં અને મૃગનાં બચ્ચા જેવો થા.