8હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, હે યહોવાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે? તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે.
9સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો; જ્યારે તેનાં મોજાંઓ ઊછળે છે, ત્યારે તેઓને તમે શાંત પાડો છો.
10મારી નંખાયેલાની જેમ તમે રાહાબને છૂંદી નાખ્યો છે. તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેરી નાખ્યા છે.
11આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે. તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યાં છે.
12ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયાં છે. તાબોર અને હેર્મોન તમારા નામે હર્ષનાદ કરે છે.
13તમારો હાથ બળવાન છે અને તમારો હાથ મજબૂત તથા તમારો જમણો હાથ ઊંચો છે.
14ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે. તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.
15જેઓ તમારી સ્તુતિ કરે છે, તેઓ આશીર્વાદિત છે! હે યહોવાહ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.
16તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ કરે છે અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.
17તમે તેઓના સામર્થ્યનો મહિમા છો અને તમારી ઇચ્છા પ્રમાણે અમે વિજયવંત છીએ.
18કેમ કે અમારી ઢાલ તો યહોવાહ છે; ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે.