4હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, તમારા લોકો તમારી પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે.
5તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે અને તેઓને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; અને અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે.
7હે સૈન્યોના ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.
8તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા; તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો.
9તમે તેને માટે જગ્યા સાફ કરી; તેમાં મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10તેની છાયાથી પર્વતો ઢંકાઈ ગયા, તેની વિશાળ લાંબી ડાળીઓ ઈશ્વરના દેવદારો જેવી હતી.