Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 78

ગીતશાસ્ત્ર 78:2-39

Help us?
Click on verse(s) to share them!
2હું ડહાપણ વિશેનું ગીત ગાઈશ; હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ કે,
3જે વાત આપણે સાંભળી છે તથા શીખ્યા છીએ જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.
4યહોવાહનાં સ્તોત્ર, તેમનું સામર્થ્ય તથા તેમનાં કરેલાં આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના વંશજોથી આપણે તે સંતાડીશું નહિ.
5કારણ કે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો. તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી કે તેઓ પોતાનાં બાળકોને પણ શીખવે.
6જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે, તેઓ મોટાં થઈને પોતાનાં સંતાનોને તે જણાવે, માટે તેમણે આજ્ઞા આપી છે.
7જેથી તેઓ સહુ ઈશ્વરની આશા રાખે અને તેમનાં અદ્દભુત કાર્યોને વીસરી જાય નહિ, પણ તેમની આજ્ઞાઓને પાળે.
8પછી તેઓ પોતાના પૂર્વજોના જેવા ન થાય, કે જેઓ હઠીલા તથા બંડખોર પેઢીના છે, એવી પેઢી કે જેઓનાં હૃદય સ્થિર નથી અને જેઓનો આત્મા સમર્પિત કે ઈશ્વરને વિશ્વાસુ નથી.
9એફ્રાઇમના લોકો શસ્ત્રસજ્જિત ધનુર્ધારી હોવા છતાં પણ લડાઈના દિવસમાં પાછા હઠી ગયા.
10તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.
11તેમણે કરેલાં અદ્દભુત કાર્યો, ચમત્કારો તેમણે તેઓને બતાવ્યા હતા તે તેઓ ભૂલી ગયા.
12મિસર દેશમાં, સોઆનનાં ક્ષેત્રમાં, તેઓના પૂર્વજોની આગળ તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં.
13તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેઓને પાર બહાર લાવ્યા; તેમણે દીવાલની જેમ પાણીને સ્થિર રાખ્યાં.
14તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત અગ્નિના પ્રકાશથી દોરતા.
15તેમણે અરણ્યમાં ખડકને તોડીને અને ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.
16તેમણે ખડકમાંથી પાણીની ધારો કાઢી અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.
17તેમ છતાં તેઓએ તેમની વિરુદ્ધ પાપ કરવાનું ચાલુ જ રાખ્યું, અરણ્યમાં પરાત્પરની વિરુદ્ધ તેઓ બંડ કરતા રહ્યા.
18પોતાના ખાઉધરાપણાને વશ થઈને ખોરાક માગીને તેઓએ પોતાના હૃદયથી ઈશ્વરની પરીક્ષા કરી.
19તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલ્યા; તેઓએ કહ્યું, “શું અરણ્યમાં ઈશ્વર મેજ તૈયાર કરી શકે?
20જુઓ, જ્યારે તેમણે ખડકને લાકડી મારી, ત્યારે પાણી વહી આવ્યું અને પાણીનાં ઝરણાં વહેવા માંડ્યાં. પણ શું તે આપણને રોટલી આપી શકે છે? શું તે પોતાના લોકોને માટે માંસ પૂરું પાડી શકશે?”
21જ્યારે યહોવાહે આ સાંભળ્યું, ત્યારે તેઓ ગુસ્સે થયા; તેથી યાકૂબની વિરુદ્ધ તેમનો અગ્નિ ઊઠ્યો અને ઇઝરાયલ પર તેમનો કોપ ભભૂક્યો,
22કારણ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ અને તેમના દ્વારા મળતા ઉદ્ધાર પર ભરોસો રાખ્યો નહિ.
23છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી અને આકાશનાં દ્વાર ખોલી નાખ્યાં.
24તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી અને તેમણે સ્વર્ગમાંથી ભોજન આપ્યું.
25લોકોએ દૂતોનો ખોરાક ખાધો. અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી તેમણે ભોજન આપ્યું.
26તેમણે આકાશમાં પૂર્વ તરફથી પવન ફુંકાવ્યો અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી પવન ફુંકાવ્યો.
27તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની રેતીની જેમ પીંછાવાળા પક્ષીઓ તેઓના પર વરસાવ્યાં.
28તેમણે તેઓની છાવણી મધ્યે અને તેઓના તંબુઓની ચારેબાજુએ તે પાડ્યાં.
29લોકો ધરાઈ રહ્યા ત્યાં સુધી ખાધું. તેઓના માગ્યા પ્રમાણે તેમણે આપ્યું.
30પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યા નહિ; તેઓનો ખોરાક તેઓના મુખમાં જ હતો,
31એટલામાં, ઈશ્વરનો કોપ તેઓ પર પ્રગટ્યો અને તેઓમાંના હુષ્ટપુષ્ટોને મારી નાખ્યા.
32આમ છતાં, તેઓ પાપ કરતા રહ્યા અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.
33માટે ઈશ્વરે તેઓના દિવસો વ્યર્થપણામાં સમાપ્ત કર્યા; અને તેઓનાં વર્ષોને ત્રાસથી ભર્યાં.
34જ્યારે જ્યારે ઈશ્વરે તેઓને દુઃખી કર્યા, ત્યારે તેઓએ તેમને શોધ્યા અને તેઓ પાછા ફરીને આતુરતાથી તેમને શરણે આવ્યા.
35તેઓએ યાદ કર્યુ કે ઈશ્વર તેઓના ખડક છે અને પરાત્પર ઈશ્વર તે જ તેઓના છોડાવનાર છે.
36પણ તેઓએ પોતાના મુખે તેમની પ્રશંસા કરી અને પોતાની જીભે તેમની સમક્ષ જૂઠું બોલ્યા.
37કેમ કે તેઓનાં હૃદય તેમના પ્રત્યે વિશ્વાસુ નહોતાં અને તેઓ તેમના કરાર પ્રત્યે વફાદાર નહોતા.
38તેમ છતાં તેમણે, દયા દર્શાવી, તેઓનાં પાપોની ક્ષમા આપી અને તેઓનો નાશ ન કર્યો. હા, ઘણીવાર તેમણે પોતાનો ક્રોધ સમાવી દીધો અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.
39તેમણે સંભાર્યુ કે તેઓ દેહથી બનેલા છે એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.

Read ગીતશાસ્ત્ર 78ગીતશાસ્ત્ર 78
Compare ગીતશાસ્ત્ર 78:2-39ગીતશાસ્ત્ર 78:2-39