1ઈશ્વર ઊઠો; તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ; તેમને ધિક્કારનારા સર્વ લોકો પણ તેમની આગળથી નાસી જાઓ.
2તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.
3પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની આગળ હર્ષ પામો; તેઓ આનંદ કરો અને હર્ષ પામો.
4ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો; એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે; તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.
5અનાથોના પિતા અને વિધવાઓના ન્યાયાધીશ, એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.
6ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે; તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે; પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે.
7હે ઈશ્વર, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યા, જ્યારે અરણ્યમાં થઈને તમે કૂચ કરી, સેલાહ
8ત્યારે પૃથ્વી કાંપી; વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો, ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.
9હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ વરસાવ્યો; જ્યારે તમારું વતન નિર્બળ થયું હતું, ત્યારે તમે તેને બળવાન કર્યું.
10તમારા લોકો તેમાં રહે છે; હે ઈશ્વર, તમે ગરીબો ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી.
11પ્રભુ હુકમ આપે છે અને તેઓને ખબર આપનાર એક મહાન સૈન્ય હતું.
12રાજાઓનું સૈન્ય નાસે છે, તેઓ દોડી જાય છે અને સ્ત્રીઓ ઘરમાં બેસીને લૂંટ વહેંચવાની રાહ જુએ છે: