1મારું હૃદય ઉત્તમ વિષયથી ભરાઈ ગયું છે; જે શબ્દો મેં રાજાને માટે લખ્યા છે તે હું બોલું છું; મારી જીભ શ્રેષ્ઠ લેખકની કલમ જેવી ચપળ છે.
2તમે માણસ કરતાં વધારે સુંદર છો; તમારા હોઠો કૃપાથી ભરેલા છે; માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.
3હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો, તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો.
4સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ; તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે.
5તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે; તેથી લોકો તમારે શરણે આવે છે.
6હે ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે; તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે.
7તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે; માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે.
8તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે; હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે.