1હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં એટલે પુરાતન કાળમાં, તમે જે કામો કર્યાં હતાં, તે વિષે તેઓએ અમને કહ્યું છે તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
2તમે તમારે હાથે વિદેશીઓને નસાડી મૂક્યા, અને તમે તમારા લોકોને વસાવ્યા; તમે વિદેશી લોકો પર દુઃખ લાવ્યા, પણ તમે અમારા લોકોને દેશમાં વસાવ્યા.
3તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે અને તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.
4હે ઈશ્વર, તમે મારા રાજા છો; યાકૂબને માટે વિજય ફરમાવો.
5તમારી સહાયતાથી અમે અમારા વૈરીઓને જમીનદોસ્ત કરી નાખીશું; તમારે નામે અમારી વિરુદ્ધ ઊઠનારને છૂંદી નાખીશું.
6કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહિ, મારી તરવાર પણ મારો બચાવ કરી શકશે નહિ.
7પણ અમારા વૈરીઓથી તમે અમને બચાવ્યા છે અને જેઓ અમને ધિક્કારે છે તેઓને બદનામ કર્યા છે.
8આખો દિવસ અમે ઈશ્વરમાં બડાશ મારી છે અને અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ કરીશું. સેલાહ
9પણ હવે તમે અમને દૂર કર્યા છે અને શરમિંદા કર્યા છે અને અમારા સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.
10તમે શત્રુઓ આગળ અમારી પાસે પીઠ ફેરવાવો છો; અને જેઓ અમને ધિક્કારે છે તેઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે.
11તમે અમને કાપવાનાં ઘેટાંની જેમ બનાવી દીધા છે અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે.