Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 18

ગીતશાસ્ત્ર 18:8-49

Help us?
Click on verse(s) to share them!
8તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો. તેથી કોલસા સળગી ઊઠ્યા.
9તે આકાશોને નમાવીને નીચે ઊતર્યા અને તેમના પગની નીચે ઘોર અંધકાર હતો.
10તે કરુબ પર સવારી કરીને ઊડ્યા; તે પવનની પાંખોની જેમ ઊડ્યા.
11તેમણે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષના ગાઢા વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યું.
12તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢ વાદળ જતાં રહ્યાં, કરા તથા અગ્નિના અંગારા વરસ્યા.
13યહોવાહે આકાશમાં ગર્જના કરી! પરાત્પરે મોટો અવાજ કાઢ્યો અને કરા તથા વીજળીના ચમકારા થયા.
14તેમણે બાણ મારીને તેના શત્રુઓને મારી નાખ્યા; તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.
15પછી, હે યહોવાહ, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસથી સમુદ્રના તળિયાં દેખાયાં અને ધરતીના પાયા ઉઘાડા થયા.
16તેમણે હાથ લંબાવી મને પકડી લીધો! તે ઘણા પાણીમાંથી મને બહાર લાવ્યા.
17તેમણે મને મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી બચાવ્યો, કારણ કે તેઓ મારા કરતાં વધારે જોરાવર હતા.
18મારી વિપત્તિના દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, પણ યહોવાહે મને સ્થિર રાખ્યો.
19તેઓ મને ખુલ્લી જગ્યામાં કાઢી લાવ્યા; તેમણે મને બચાવ્યો કેમ કે તે મારા પર પ્રસન્ન હતા.
20યહોવાહે મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે.
21કારણ કે હું યહોવાહને માર્ગે ચાલ્યો છું અને દુષ્ટતા કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી.
22હું તેમના સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું; મેં તેમના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા.
23વળી હું તેમની આગળ નિર્દોષ હતો અને હું અન્યાયથી દૂર રહ્યો.
24યહોવાહે મારું ન્યાયીપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન આપ્યું છે.
25જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો; જેઓ તમારી સાથે ન્યાયી છે, તેઓની સાથે તમે ન્યાયી દેખાશો.
26જેઓ શુદ્ધ છે તેઓની સાથે તમે શુદ્ધ છો; પણ જેઓ કપટી છે તેઓને સાથે હઠીલા દેખાશો.
27કેમ કે તમે દુઃખીઓને બચાવો છો, પણ અભિમાની લોકોને અપમાનિત કરો છો.
28કેમ કે તમે મારો દીવો સળગાવશો; યહોવાહ મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે.
29કેમ કે તમારાથી હું કિલ્લો પણ કૂદી જાઉં છું; મારા ઈશ્વરના કારણે હું કોટ કૂદી જાઉં છું.
30ઈશ્વરને માટે તેમનો માર્ગ તો પરિપૂર્ણ છે. યહોવાહના શબ્દો શુદ્ધ છે! જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તે ઢાલ છે.
31કારણ કે યહોવાહ વિના બીજા ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર વિના બીજો ખડક કોણ છે?
32ઈશ્વર જે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધે છે અને મારો માર્ગ સીધો કરે છે.
33તે મારા પગોને હરણીના જેવા કરે છે અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે.
34તે મારા હાથોને લડતાં શીખવે છે અને મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.
35તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે. તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે અને તમારી અમીદ્રષ્ટીએ મને મોટો કર્યો છે.
36તમે મારા ચાલવાની જગ્યા ખુલ્લી કરી છે, જેથી મારા પગ કદી લપસ્યા નથી.
37હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ; જ્યાં સુધી તેઓનો નાશ નહિ થાય, ત્યાં સુધી હું પાછો ફરીશ નહિ.
38હું તેઓને એવા શરમાવી નાખીશ કે તેઓ ફરી ઊભા થઈ શકશે નહિ; તેઓ મારા પગે પડશે.
39કારણ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારને તમે મારે તાબે કર્યા છે.
40તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવી છે કે, જેથી મારા દ્વેષીઓનો નાશ કરું.
41તેઓએ મદદને માટે પોકાર કર્યો, પણ તેઓને બચાવનાર કોઈ નહોતું; તેઓએ યહોવાહને વિનંતી કરી, પણ તેમણે તેઓને કોઈ જવાબ આપ્યો નહિ.
42પવનથી ફૂંકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યા છે; ગલીઓમાંની ધૂળની જેમ મેં તેમને કચડી નાખ્યા છે.
43તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. તમે મને બીજા દેશોનો અધિકારી બનાવો છો. જે લોકોને હું જાણતો નથી તેઓ મારી સેવા કરશે.
44જ્યારે તેઓએ મારે વિષે સાંભળ્યું , ત્યારે તેઓ મારે આધીન થયા; વિદેશીઓ મારે શરણે આવ્યા.
45વિદેશીઓ હિંમત ગુમાવી બેઠા છે અને ધ્રૂજતા ધ્રૂજતા તેઓ કિલ્લાની બહાર આવ્યા.
46યહોવાહ જીવતા જાગતા ઈશ્વર છે; મારા રક્ષકની સ્તુતિ હો. મારા ઉદ્ધાર કરનાર ઈશ્વર ઉત્તમ મનાઓ.
47એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે અને લોકોને મારે તાબે કરે છે તેમની સ્તુતિ થાઓ.
48તે મારા શત્રુઓથી મને છોડાવે છે! હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો! બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો.
49માટે હે યહોવાહ, વિદેશીઓમાં હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્તોત્ર ગાઈશ.

Read ગીતશાસ્ત્ર 18ગીતશાસ્ત્ર 18
Compare ગીતશાસ્ત્ર 18:8-49ગીતશાસ્ત્ર 18:8-49