1હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો.
2મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો; તમે મારા વિચારો વેગળેથી સમજો છો.
3જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો; તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.
4કેમ કે, હે યહોવાહ, તમે મારા મુખની બધી વાતો પૂરેપૂરી જાણો છો.
5તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે અને તમે તમારા હાથે મને પકડી રાખ્યો છે.
6આવું ડહાપણ તો મને આશ્ચર્ય પમાડનારું છે; તે અતિ ઉચ્ચ છે અને હું તેને સમજી શકતો નથી.
7તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હાજરીમાંથી હું ક્યાં નાસી જાઉં?
8જો હું આકાશોમાં ચઢી જાઉં, તો તમે ત્યાં છો; જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો.