60તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; વાર લગાડી નથી.
61મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે; તમારા નિયમોને હું ભૂલી ગયો નથી.
62તમારાં ન્યાયીવચનોને લીધે હું તમારો આભાર માનવા મધ્ય રાત્રે ઊઠીશ.
63જે કોઈ તમને માન આપે છે અને જેઓ તમારી સૂચનાઓને અનુસરે છે, તેઓનો હું સાથી છું.
64હે યહોવાહ, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે; મને તમારા વિધિઓ શીખવો.
65ટેથ. હે યહોવાહ, વચન પ્રમાણે, તમે તમારા સેવકને માટે સારું જ કર્યું છે.
66મને સારો વિવેક તથા ડહાપણ શીખવો, કેમ કે હું તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.
67દુઃખી થયા અગાઉ હું આડે રસ્તે ગયો હતો, પણ હવે હું તમારાં વચન પાળું છું.
68તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; મને તમારા વિધિઓ શીખવો.
69ઘમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, પણ હું તમારા નિયમો મારા ખરા હૃદયથી પાળીશ.
70તેઓના હૃદયો જડ છે, પણ હું તો તમારા નિયમમાં આનંદ પામું છું.
71મેં જે સહન કર્યું છે તે મને ગુણકારક થઈ પડ્યું છે કે જેથી હું તમારા વિધિઓ શીખી શકું.
72સોનાચાંદીના હજારો સિક્કા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.