108હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો.
109મારો પ્રાણ સદા મુશ્કેલીમાં છે, પણ હું તમારા નિયમને વીસરતો નથી.
110દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે, પણ હું તમારાં શાસનોથી નાસી ગયો નથી.
111મેં તમારાં સાક્ષ્યોને સદાકાળનો વારસો માન્યાં છે, કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે.
112તમારા વિધિઓ અંત સુધી સદા પાળવાને મેં મારા હૃદયને વાળ્યું છે.
113સામેખ. હું બે મન વાળાઓને ધિક્કારું છું, પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.
114તમે જ મારી સંતાવાની જગ્યા તથા ઢાલ છો; હું તમારાં વચનની આશા રાખું છે.
115દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો, કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.
116તમારા વચન મુજબ મને આધાર આપો કે જેથી હું જીવી શકું અને મારી આશાઓને નિરર્થક કરશો નહિ.
117તમે મારા સહાયકારી થાઓ અને હું સલામત રહીશ; હું સદા તમારા નીતિનિયમોનું મનન કરીશ.
118જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો, કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે.
119તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.
120હું તમારા ભયથી કાંપુ છું અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું.
121હાયિન. મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે; મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો.
122તમારા સેવક માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો.
123તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે.
124તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો અને તમારા વિધિઓ મને શીખવજો.
125હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો, કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું.
126હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે.
127હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.
128તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
129પે. તમારા નિયમો અદ્દભુત છે; તેથી હું તેમને પાળું છું.