Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - લેવીય - લેવીય 16

લેવીય 16:1-19

Help us?
Click on verse(s) to share them!
1હારુનના બે દીકરા જ્યારે યહોવાહની સમક્ષ ગયા ત્યારે મૃત્યુ પામ્યા અને તેઓના મૃત્યુ પછી યહોવાહે મૂસાની સાથે વાત કરી.
2પછી તેમણે મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે, પરમપવિત્ર સ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના દયાસન સમક્ષ કોઈ પણ સમયે આવે નહિ. જો તે તેમ કરશે તો તે મૃત્યુ પામશે. કારણ કે તે દયાસન પર વાદળરૂપે હું દેખાઈશ.
3તેથી અહીં હારુન આ રીતે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે. પાપાર્થાર્પણ માટે એક બળદ તથા દહનીયાર્પણ માટે એક ઘેટો લઈને તે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે.
4તે શણનું પવિત્ર ઉપવસ્ત્ર અને શણની ઈજાર પહેરે. કમરે શણનો કમરપટો અને માથે શણની પાઘડી બાંધે. આ પવિત્ર વસ્ત્રો છે. એ પહેરતાં પહેલાં તેણે પાણીથી સ્નાન કરવું.
5તે ઇઝરાયલી પ્રજા પાસેથી પાપાર્થાર્પણ માટે બે બકરા તથા દહનીયાર્પણ માટે એક ઘેટો લે.
6પછી હારુન પોતાને માટે પાપાર્થાર્પણના બળદને રજૂ કરે અને પોતાના માટે તેમ જ પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે.
7ત્યારપછી તે બે બકરાઓ લઈને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહ સમક્ષ લાવે.
8પછી હારુન તે બે બકરા માટે ચિઠ્ઠીઓ નાખે, એટલે એક ચિઠ્ઠી યહોવાહને માટે અને બીજી અઝાઝેલને માટે નક્કી કરે.
9જે બકરા પર યહોવાહના નામની ચિઠ્ઠી પડે, તેને હારુન પાપાર્થાપણને માટે અર્પણ કરે.
10પરંતુ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને માટે પ્રાયશ્ચિત કરવાને યહોવાહ સમક્ષ તેને જીવતો રજૂ કરે.
11પછી હારુન પોતાના અને પોતાના પરિવાર માટે પાપાર્થાર્પણને સારુ બળદ રજૂ કરે. પોતાને માટે તથા પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે અને પાપાર્થાર્પણનો જે બળદ પોતાના માટે હોય તેને કાપે.
12પછી હારુન એક ધૂપદાનીમાં યહોવાહ આગળની વેદીમાંથી સળગતા અંગારા અને બે મુઠ્ઠી બારીક દળેલો ધૂપ લઈને તેને પડદાની અંદરની બાજુએ લાવે.
13પછી યહોવાહ સમક્ષ અંગારા ઉપર તે ધૂપ તે નાખે જેથી કરારકોશ પરના દયાસન ઉપરનું વાદળ ધુમાડાથી ઢંકાઈ જાય. અને આમ કરવાથી તે મૃત્યુ પામશે નહિ.
14ત્યારપછી તે બળદના રક્તમાંથી થોડું રક્ત પૂર્વ તરફ પોતાની આંગળી વડે દયાસન પર છાંટે. અને તેમાંનુ થોડું રક્ત દયાસનની સામે આંગળી વડે સાત વાર છાંટે.
15ત્યારપછી તે લોકોના પાપાર્થાર્પણનો બકરો કાપે અને તેનું રક્ત પડદાની અંદરની બાજુ લાવે. બળદના રક્તની જેમ તે તેના રક્તનું પણ કરે; તે દયાસન પર તેને છાંટે ત્યારપછી દયાસનની સામે તેને છાંટે.
16તે ઇઝરાયલના લોકોની અશુદ્ધતાના લીધે, તેઓના પાપો અને વિદ્રોહના કારણે પવિત્રસ્થાનને માટે પ્રાયશ્ચિત કરે. એ જ રીતે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહેનાર મુલાકાતમંડપને સારુ કરે, જેમાં યહોવાહ વસે છે.
17હારુન પ્રાયશ્ચિત કરવા માટે પરમપવિત્ર સ્થાનમાં દાખલ થાય ત્યારથી તે પોતાને સારુ તથા પોતાના પરિવારને સારુ પ્રાયશ્ચિત કરીને બહાર ન આવે, ત્યાં સુધી કોઈને મુલાકાતમંડપમાં રહેવા ન દેવો.
18બહાર આવીને યહોવાહની સમક્ષ વેદી પાસે જઈને તેને સારુ તે પ્રાયશ્ચિત કરે. તેણે બળદના અને બકરાના રક્તમાંથી થોડું થોડું લઈને વેદીનાં શિંગો પર ચોપડવું.
19એ રક્તમાંથી આંગળી વડે તે વેદી ઉપર સાત વખત છાંટીને તેને શુદ્ધ કરે અને ઇઝરાયલીઓની અશુદ્ધતામાંથી તેને પવિત્ર કરે.

Read લેવીય 16લેવીય 16
Compare લેવીય 16:1-19લેવીય 16:1-19