4ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'એમ લખ્યું છે કે, માણસ એકલી રોટલીથી જીવશે નહિ.'
5શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો, અને એક ક્ષણમાં દુનિયાના બધાં રાજ્યો તેને બતાવ્યા.
6શેતાને ઈસુને કહ્યું કે, 'આ બધાં પર રાજ કરવાનો અધિકાર તથા તેમનો વૈભવ હું તને આપીશ; કેમ કે રાજ કરવા તેઓ મને અપાયેલ છે, અને હું જેને તે આપવા ચાહું તેને આપી શકું છું;
7માટે જો તું નમીને મારું ભજન કરશે તો તે સઘળું તારું થશે.'
8અને ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, 'એમ લખ્યું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું અને એકલા તેમની જ સેવા કરવી.'
9તે ઈસુને યરુશાલેમ લઈ ગયો, અને ભક્તિસ્થાનના શિખર પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું કે, 'જો તું ઈશ્વરનો દીકરો છે, તો અહીંથી પોતાને નીચે પાડી નાખ.
10કેમ કે લખ્યું છે કે, તે પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે તેઓ તારું રક્ષણ કરે;
11તેઓ પોતાના હાથે તમને ઝીલી લેશે, રખેને તમારો પગ પથ્થર પર અફળાય.'
12ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, 'એમ લખેલું છે કે, તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી ન કરવી.'
13શેતાન સર્વ પ્રકારની પરીક્ષણ કરીને કેટલીક મુદ્ત સુધી તેમની પાસેથી ગયો.
14ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા, અને તેમના વિષેની વાતો આસપાસ આખા દેશમાં ફેલાઈ ગઈ.
15અને તેમણે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કર્યો, અને બધાથી માન પામ્યા.