5શું હજુ તમારે વધારે માર ખાવો છે કે તમે બળવો કર્યા કરો છો? આખું માથું રોગિષ્ઠ, આખું હૃદય કમજોર છે.
6પગના તળિયાથી તે માથા સુધી કોઈ અંગ સાજું નથી; ફક્ત ઘા અને સોળ તથા પાકેલા જખમ છે; તેમને દબાવીને પરુ કાઢવામાં આવ્યું નથી, ઘા સાફ કર્યા નથી, નથી પાટા બાંધ્યા કે નથી તેમને તેલથી નરમ કરવામાં આવ્યા.
7તમારો દેશ ઉજ્જડ થઈ ગયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે; તમારી હાજરીમાં તમારાં ખેતરોને પારકાઓએ ખેદાનમેદાન કરી નાખ્યાં છે - તેથી તમારી ભૂમિ ઉજ્જડ થઈ ગઈ છે.
8સિયોનની દીકરી દ્રાક્ષાવાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે.
9જો સૈન્યોના યહોવાહે આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.
10હે સદોમના રાજકર્તાઓ, તમે યહોવાહની વાત સાંભળો; હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ પ્રત્યે કાન દો:
11યહોવાહ કહે છે, “મારી આગળ તમે અસંખ્ય યજ્ઞો કરો છો તે મારે શા કામના?” “હું ઘેટાના દહનાર્પણથી તથા પુષ્ટ જાનવરોના મેદથી ધરાઈ ગયો છું; અને બળદો, હલવાન, તથા બકરાનું રક્ત મને પ્રસન્ન કરતું નથી.
12જયારે તમે મારી સંમુખ આવો છો, ત્યારે મારાં આંગણાં તમે પગ નીચે કચડો છો, એમ કરવાનું કોણે તમારી પાસે માગ્યું છે?