5ન્યાયીપણું તેનો કમરપટો અને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે.
6ત્યારે વરુ તથા હલવાન સાથે રહેશે અને ચિત્તો લવારા પાસે સૂઈ જશે, વાછરડું, સિંહ તથા મેદસ્વી જાનવર એકઠાં રહેશે. નાનું બાળક તેઓને દોરશે.
7ગાય તથા રીંછ સાથે ચરશે અને તેમનાં બચ્ચાં ભેગા સૂઈ જશે. સિંહ બળદની જેમ સૂકું ઘાસ ખાશે.
8ધાવણું બાળક સાપના દર પર રમશે અને ધાવણ છોડાવેલું બાળક નાગના રાફડા પર પોતાનો હાથ મૂકશે.
9મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ હાનિ કે વિનાશ કરશે નહિ; કેમ કે જેમ સમુદ્ર જળથી ભરપૂર છે, તેમ આખી પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.
10તે દિવસે, યિશાઈનું મૂળ લોકોને માટે ધ્વજારૂપ ઊભું રહેશે. તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે; અને તેનું નિવાસસ્થાન મહિમાવંત થશે.
11તે દિવસે, પ્રભુ પોતાના લોકોના શેષને મેળવવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશૂરમાંથી, મિસરમાંથી, પાથ્રોસમાંથી, કૂશમાંથી, એલામમાંથી, શિનઆરમાંથી, હમાથમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી પાછા લાવવા માટે બીજીવાર પોતાનો હાથ લાંબો કરશે.