1આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ કે આવતીકાલે શું થઈ જશે તે તું જાણતો નથી.
2બીજો માણસ તારાં વખાણ ભલે કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; બીજો કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે.
3પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની ઉશ્કેરણી બંને કરતાં ભારે હોય છે.
4ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે, પણ ઈર્ષ્યા આગળ કોણ ટકી શકે?
5છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.
6મિત્રના ઘા પ્રામાણિક હોય છે, પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે.
7ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, પણ ભૂખ્યાને દરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે.
8પોતાનું ઘર છોડીને ભટકતી વ્યક્તિ જેણે પોતાનો માળો છોડી દીધો હોય તેવા પક્ષી જેવી છે.
9જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.
10તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને તજીશ નહિ; વિપત્તિને સમયે તારા ભાઈના ઘરે ન જા. દૂર રહેતા ભાઈ કરતાં નજીકનો પડોશી સારો છે.
11મારા દીકરા, જ્ઞાની થા અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.
12શાણો માણસ આફતને આવતી જોઈને તેને ટાળે છે, પણ અવિચારી માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે.
13અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય; તો તેને જવાબદારીમાં રાખ.