1આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો.
2કોઈ બાબત ગુપ્ત રાખવી તેમાં ઈશ્વરનો મહિમા છે, પણ કોઈ બાબત શોધી કાઢવી એમાં રાજાનું ગૌરવ છે.
3જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ હોય છે, તેમ રાજાઓનું મન અગાધ છે.
4ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો, એટલે ચાંદીનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે.
5તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો, એટલે તેનું સિંહાસન ન્યાય વડે સ્થિર થશે.
6રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કર અને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે.
7ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં, “આમ આવો” કહીને ઉપર બેસાડવામાં આવે એ વધારે સારું છે.
8દાવામાં જલદી ઊતરી ન પડ. કેમ કે આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ?