5જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્ધત્તાની વૃદ્ધિ કરે અને બુદ્ધિમાન માણસને માર્ગદર્શન મળે.
6કહેવતો તથા અલંકારો; જ્ઞાનીઓનાં વચનો તથા તેઓના મર્મો સમજાય.
7યહોવાહનો ભય એ જ્ઞાનનો આરંભ છે. મૂર્ખો જ્ઞાનને તથા શિક્ષણને ધિક્કારે છે.
8મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ અને તારી માતાનું શિક્ષણ તજીશ નહિ.
9તેઓ તારા મસ્તકે શોભાયમાન મુગટરૂપ અને તારા ગળાના હારરૂપ થશે.
10મારા દીકરા, જો પાપીઓ તને લલચાવે, તો તું તેઓનું માનતો નહિ.
11જો તેઓ કહે કે, “અમારી સાથે ચાલ, આપણે ખૂન કરવા માટે સંતાઈ રહીએ; આપણે નિર્દોષને વિનાકારણ હુમલો કરવાને છુપાઈ રહીએ.
12શેઓલની જેમ આપણે તેઓને જીવતા અને જીવતા ગળી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય.
13વિવિધ પ્રકારનો કિંમતી માલ આપણા હાથમાં આવશે; આપણે લૂંટથી આપણાં ઘરો ભરીશું.
14તું અમારી સાથે જોડાઈ જા આપણે બધા સિલકની સહિયારી થેલી રાખીશું.”
15મારા દીકરા, તેઓના માર્ગમાં તેઓની સાથે ન ચાલ; તેઓના માર્ગેથી તારા પગ પાછા રાખ;
16તેઓના પગ દુષ્ટતા કરવા માટે દોડે છે અને તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે.
17કારણ કે જ્યારે પક્ષીઓ સાવધ હોય ત્યારે જાળ પાથરવી તે નિરર્થક છે.
18આ માણસો પોતાને જ મારી નાખવાને માટે સંતાઈ રહે છે, તેઓ પોતાના જ જીવને માટે ગુપ્ત રીતે છુપાઈ રહે છે.
19ધનના પ્રત્યેક લોભીના માર્ગો આવા જ હોય છે. આવું ધન તેના માલિકોનું જ સત્યાનાશ વાળે છે.
20ડહાપણ શેરીએ શેરીએ મોટેથી પોકારે છે, તે જાહેર સ્થળોમાં પોતાની વાણી ઉચ્ચારે છે.
21તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે અને શહેરના દરવાજે ઊભું રહીને વચનો ઉચ્ચારે છે,
22“હે અજ્ઞાનીઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ઠઠ્ઠા-મશ્કરી કરનારાઓ, તમે ક્યાં સુધી ઠઠ્ઠા-મશ્કરી કરવામાં આનંદ મેળવશો? અને ઓ મૂર્ખાઓ, તમે ક્યાં સુધી ડહાપણને ધિક્કારશો?
23મારી ચેતવણી પર ધ્યાન આપો; હું મારો આત્મા તમારા પર રેડીશ; હું મારાં વચનો તમને જણાવીશ.