4મને તારી સાથે લઈ જા, આપણે જતાં રહીએ. રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે. હું પ્રસન્ન છું; હું તારા માટે આનંદ કરું છું; મને તારા પ્રેમની ઉજવણી કરવા દે; તે દ્રાક્ષારસ કરતાં પણ વધારે સારો છે. બીજી યુવતીઓ તને પ્રેમ કરે તે વાજબી છે.
5હું શ્યામ છું પણ સુંદર છું, હે યરુશાલેમની દીકરીઓ, કેદારના તંબુઓની માફક શ્યામ, સુલેમાનના પડદાઓની માફક સુંદર છું.
6હું શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. કેમ કે સૂર્યએ મને બાળી નાખી છે. મારી માતાના દીકરાઓ મારા પર કોપાયમાન થયા હતા; તેઓએ મને દ્રાક્ષાવાડીની રક્ષક બનાવી. પણ મારી પોતાની દ્રાક્ષાવાડી મેં સંભાળી નથી.
7જેને મારો આત્મા પ્રેમ કરે છે તે, તું મને કહે, તું તારા ઘેટાં-બકરાંને કયાં ચરાવે છે? તેમને બપોરે ક્યાં વિસામો આપે છે? શા માટે હું તારા સાથીદારોના ટોળાંની પાછળ, ભટકનારની માફક ફરું?
8યુવતીઓમાં અતિસુંદર, જો તું જાણતી ના હોય તો, મારા ટોળાંની પાછળ ચાલ, તારી બકરીના બચ્ચાંને ભરવાડોના તંબુઓ પાસે ચરાવ.
9મારી પ્રિયતમા, ફારુનના રથોના ઘોડાઓની મધ્યેની ઘોડીની સાથે, મેં તને સરખાવી છે.