12જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા પછી પણ દીર્ઘાયુષ્ય ભોગવે છે, છતાં હું જાણું છું કે નિશ્ચે જેઓ ઈશ્વરનો ભય રાખે છે તેઓનું ભલું થશે.
13પણ દુષ્ટોનું ભલું થશે નહિ. અને તેઓનું આયુષ્ય છાયારૂપ થશે. તે દીર્ઘ થશે નહિ. કેમ કે તેઓ ઈશ્વરનો ડર રાખતા નથી.
14દુનિયા પર એક એવી વ્યર્થતા છે કે, કેટલાક નેક માણસોને દુષ્ટના કામનાં ફળ પ્રમાણે ફળ મળે છે અને દુષ્ટ માણસોને નેકીવાનોના કામના ફળ મળે છે. મેં કહ્યું આ પણ વ્યર્થતા છે.
15તેથી મેં તેઓને આનંદ કરવાની ભલામણ કરી, કેમ કે ખાવું-પીવું તથા મોજમઝા કરવી તેના કરતાં માણસને માટે દુનિયા પર કશું શ્રેષ્ઠ નથી; કેમ કે ઈશ્વરે તેને પૃથ્વી ઉપર જે આયુષ્ય આપ્યું છે તેનાં બધા દિવસોની મહેનતનાં ફળમાંથી તેને એટલું જ મળશે.
16જ્યારે મેં બુદ્ધિ સંપાદન કરવામાં, તથા પૃથ્વી પર થતાં કામો જોવામાં મારું મન લગાડ્યું કેમ કે એવા મનુષ્યો પણ હોય છે કે જેઓની આંખોને દિવસે કે રાત્રે ઊંઘ મળતી નથી,
17ત્યારે મેં ઈશ્વરનું સઘળું કામ જોયું કે પૃથ્વી પર જે કંઈ કામ થાય છે, તેની માહિતી માણસ મેળવી શકે નહિ. કેમ કે તેની માહિતી મેળવવાને માણસ ગમે તેટલી મહેનત કરે તોપણ તેને તે મળશે નહિ. કદાચ કોઈ બુદ્ધિમાન માણસ હોય તો પણ તે તેની પૂરી શોધ કરી શકશે નહિ.