12ફરીથી ઈસુએ તેઓને કહ્યું, 'હું માનવજગતનું અજવાળું છું; જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.'
13ફરોશીઓએ તેમને કહ્યું, 'તમે તમારે પોતાને વિષે સાક્ષી આપો છો; તમારી સાક્ષી સાચી નથી.'
14ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, 'જો હું પોતાના વિષે સાક્ષી આપું છું, તોપણ મારી સાક્ષી સાચી છે; કેમ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું, તે હું જાણું છું; પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું, અને ક્યાં જાઉં છું.
15તમે માનવીય રીતે ન્યાય કરો છો; હું કોઈનો ન્યાય કરતો નથી.
16વળી જો હું ન્યાય કરું, તો મારો ન્યાયચૂકાદો સાચો છે; કેમ કે હું એકલો નથી, પણ હું તથા પિતા જેમણે મને મોકલ્યો છે.
17તમારા નિયમશાસ્ત્રમાં પણ લખેલું છે કે, 'બે માણસની સાક્ષી સાચી છે.
18હું મારે પોતાને વિષે સાક્ષી આપનાર છું અને પિતા જેમણે મને મોકલ્યો છે તે મારે વિષે સાક્ષી આપે છે.'
19તેઓએ તેમને કહ્યું કે, 'તારો પિતા ક્યાં છે?' ઈસુએ ઉત્તર આપ્યો કે, 'તમે મને તેમ જ મારા પિતાને પણ ઓળખતા નથી; જો તમે મને ઓળખત, તો તમે મારા પિતાને પણ ઓળખત.'
20ઈસુ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા ત્યારે તેમણે ભંડાર આગળ એ વાતો કહી, પણ કોઈએ તેમને પકડ્યા નહિ; કેમ કે તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો.
21તેમણે તેઓને ફરીથી કહ્યું કે, 'હું જવાનો છું, તમે મને શોધશો અને તમે તમારાં પાપમાં મરશો; જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.'
22યહૂદીઓએ કહ્યું કે, 'શું તે આપઘાત કરશે? કેમ કે તે કહે છે કે, જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.'
23ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે પૃથ્વી પરના છો, હું ઉપરનો છું; તમે આ જગતના છો, હું આ જગતનો નથી.
24માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપોમાં મરશો; કેમ કે તે હું છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપોમાં મરશો.'
25માટે તેઓએ તેમને પૂછ્યું, 'તમે કોણ છો?' ઈસુએ તેઓને કહ્યું કે, 'પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ.'
26મારે તમારે વિષે કહેવાની તથા ન્યાય કરવાની ઘણી બાબતો છે; તોપણ જેમણે મને મોકલ્યો છે, તેઓ સત્ય છે; અને જે વાતો મેં તેમની પાસેથી સાંભળી છે, તે હું માનવજગતને કહું છું.'
27તે તેઓની સાથે પિતા વિષે વાત કરે છે, તે તેઓ સમજ્યા નહિ.
28ઈસુએ કહ્યું, 'જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે સમજશો કે હું તે જ છું અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું તે વાતો બોલું છું.
29જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે; અને તેમણે મને એકલો મૂક્યો નથી; કેમ કે જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.'
30ઈસુ તે કહેતાં હતા, ત્યારે ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.
31તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું કે, 'જો તમે મારા વચનમાં રહો, તો નિશ્ચે તમે મારા શિષ્યો છો;
32અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.'
33તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, 'અમે ઇબ્રાહિમનાં સંતાનો છીએ અને હજી કદી કોઈનાં દાસત્વમાં આવ્યા નથી; તો તમે કેમ કહો છો કે, તમને મુક્ત કરવામાં આવશે?'
34ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, 'હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, જે કોઈ પાપ કરે છે, તે પાપનો દાસ છે,
35હવે જે દાસ છે તે સદા ઘરમાં રહેતો નથી, પણ દીકરો સદા રહે છે.