Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પિતરનો પહેલો પત્ર

પિતરનો પહેલો પત્ર 4

Help us?
Click on verse(s) to share them!
1હવે ખ્રિસ્તે આપણે માટે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને સજ્જ થાઓ; કેમ કે જેણે મનુષ્યદેહમાં દુ:ખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે,
2કે જેથી તે બાકીનું જીવન માણસોની વિષયવાસનાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિતાવે.
3કેમ કે જેમ વિદેશીઓ જેમાં આનંદ માને છે તે પ્રમાણે કરવામાં તમે તમારા જીવનનો ઘણો સમય વિતાવ્યો છે, તે બસ તે છે. તે સમયે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં, તથા તિરસ્કૃત મૂર્તિપૂજામાં મગ્ન હતા.
4એ બાબતોમાં તમે તેઓની સાથે જે દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામે છે અને તમારી નિંદા કરે છે.
5જીવતાંઓનો તથા મૃત્યુ પામેલાંઓનો ન્યાય કરવાને જે તૈયાર છે તેમને તેઓ હિસાબ આપશે;
6કેમ કે મૃત્યુ પામેલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરાઈ હતી કે જેથી શરીર વિષે માનવીય ધોરણો અનુસાર તેઓનો ન્યાય થાય, પણ આત્મા વિષે તેઓ ઈશ્વરમાં જીવે.
7બધી બાબતોનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ અને સાવચેત રહીને પ્રાર્થના કરો.
8વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.
9જીવ કચવાયા વગર તમે એકબીજાની સત્કાર કરો.
10દરેકને જે કૃપાદાન મળ્યું છે તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓની તરીકે વાપરવું.
11જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન.
12પ્રિય ભાઈ-બહેનો, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે, તેમાં તમને કંઈ વિચિત્ર થયું હોય તેમ સમજીને આશ્ચર્ય ન પામો.
13પણ ખ્રિસ્તનાં દુઃખોમાં તમે ભાગીદાર થાઓ છો, તેને લીધે આનંદ કરો; કે જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે પણ તમે બહુ ઉલ્લાસથી આનંદ કરો.
14જો ખ્રિસ્તનાં નામને કારણે તમારી નિંદા થતી હોય, તો તમે આશીર્વાદિત છો, કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે. તેઓથી તે નિંદાય છે ખરો પણ તમારાથી તે મહિમા પામે છે.
15પણ ખૂની, ચોર, દુરાચારી અથવા બીજાના કામમાં દખલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય.
16પણ ખ્રિસ્તનાં અનુયાયી હોવાને કારણે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ પણ તે નામમાં તે ઈશ્વરનો મહિમા કરે.
17કેમ કે ન્યાયચૂકાદાનો આરંભ ઈશ્વરના પરિવારમાં થવાનો સમય આવ્યો છે અને જો તેનો પ્રારંભ આપણામાં થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ નથી માનતા તેઓના હાલ કેવાં થશે?
18'જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે, તો અધર્મી તથા પાપી માણસનું શું થશે?'

19માટે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુઃખ સહન કરે છે તેઓ ભલું કરવાનું ચાલુ રાખતાં પોતાના પ્રાણોને વિશ્વાસુ સૃજનહારને સોંપે.