Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પિતરનો પહેલો પત્ર

પિતરનો પહેલો પત્ર 2

Help us?
Click on verse(s) to share them!
1એ માટે તમામ દુષ્ટતા, કપટ, ઢોંગ, દ્રેષ તથા સર્વ પ્રકારની નિંદા દૂર કરીને,
2નવાં જન્મેલાં બાળકોની જેમ શુદ્ધ આત્મિક દૂધની ઇચ્છા રાખો,
3જેથી જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે તો તે વડે તમે ઉદ્ધાર પામતાં સુધી વધતાં રહો.
4જે જીવંત પથ્થર છે, મનુષ્યોથી નકારાયેલા ખરા, પણ ઈશ્વરથી પસંદ કરાયેલા તથા મૂલ્યવાન છે.
5તેમની પાસે આવીને તમે પણ આત્મિક ઘરના જીવંત પથ્થર બન્યા અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્તને ધ્વારા ઈશ્વરને પ્રસન્ન છે તેમનું અર્પણ કરવા પવિત્ર યાજકો થયા છો.
6કારણ કે શાસ્ત્રવચનમાં લખેલું છે કે, 'જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન, એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું અને જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહિ.
7માટે તમને વિશ્વાસ કરનારાઓને તે મૂલ્યવાન છે, પણ અવિશ્વાસીઓને સારુ તો જે પથ્થર બાંધનારાઓએ નાપસંદ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
8વળી ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકર ખવડાવનાર ખડક થયો છે;' તેઓ આજ્ઞા માનતાં નથી, તેથી વચન વિષે ઠોકર ખાય છે, એટલા માટે પણ તેઓનું નિર્માણ થયેલું હતું.
9પણ તમે તો પસંદ કરેલું કુળ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર લોક તથા ઈશ્વરની ખાસ પ્રજા છો, જેથી જેમણે તમને અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક અજવાળામાં તેડ્યાં છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.
10તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હાલ ઈશ્વરની પ્રજા છો; દયા પામેલા નહોતા, પણ હાલ દયા પામ્યા છો.
11પ્રિયજનો, હું વિનંતી કરું છું કે, જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, તેઓથી તમે, પરદેશી તથા પ્રવાસીની જેમ દૂર રહો.
12વિદેશીઓમાં તમે પોતાનો વ્યવહાર સારો રાખો, કે જેથી તેઓ તમને ખરાબ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તમારાં સારાં કામ જોઈને તેઓ ન્યાયને દિવસે ઈશ્વરનો મહિમા કરે.
13માણસોએ સ્થાપેલી પ્રત્યેક સત્તાને પ્રભુને લીધે તમે આધીન થાઓ; રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો.
14વળી ખોટું કરનારાઓને દંડ આપવા અને સારું કરનારાઓની પ્રશંસા કરવાને તેણે નીમેલા અધિકારીઓને પણ તમે આધીન થાઓ
15કેમ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે સારાં કાર્યો કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનપણાની વાતોને તમે બંધ કરો.
16તમે સ્વતંત્ર છો પણ એ સ્વતંત્રતા તમારી દુષ્ટતાને છુપાવવા માટે ન વાપરો; પણ તમે ઈશ્વરના સેવકો જેવા થાઓ.
17તમે સર્વને માન આપો, ભાઈઓ પર પ્રેમ રાખો, ઈશ્વરનો ભય રાખો, રાજાનું સન્માન કરો.
18દાસો, તમે પૂરા ભયથી તમારા માલિકોને આધીન થાઓ, જેઓ સારા તથા નમ્ર છે કેવળ તેઓને જ નહિ, વળી કઠોર માલિકને પણ આધીન થાઓ.

19કેમ કે જો કોઈ માણસ ઈશ્વર તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠતાં દુઃખ સહે છે તો તે ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે.
20કેમ કે જયારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જો તમે સહન કરો છો, તો તેમાં શું પ્રશંસાપાત્ર છે? પણ જો સારું કરવાને લીધે દુઃખ ભોગવો છો, તે જો તમે સહન કરો છો એ ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે.
21કારણ કે એને માટે તમે તેડાયેલા છો, કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું છે અને તમને નમૂનો આપ્યો છે, કે તમે તેમને પગલે ચાલો.
22તેમણે કંઈ પાપ કર્યું નહિ, ને તેમના મુખમાં કપટ માલૂમ પડ્યું નહિ.
23તેમણે નિંદા પામીને સામે નિંદા કરી નહિ, દુઃખો સહેતાં કોઈને ધમકાવ્યાં નહિ, પણ સાચો ન્યાય કરનારને પોતાને સોંપ્યો.
24લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ લીધાં, જેથી આપણે પાપ સંબંધી મૃત્યુ પામીએ અને ન્યાયીપણા માટે જીવીએ; તેમના જખમોથી તમે સાજાં થયા.
25કેમ કે તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા, પણ હમણાં તમારા આત્માના પાળક તથા રક્ષક ઈશ્વરની પાસે પાછા આવ્યા છો.