19મારાં ફળ સોના કરતાં ચડિયાતાં છે, ચોખ્ખા સોના કરતાં અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ઠ છે.
20હું સદાચારને માર્ગે ચાલું છું, મારો માર્ગ ન્યાયનો છે,
21મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપું છું અને તેઓના ભંડારો ભરપૂર કરું છું.
22યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં, આદિકૃત્યો અગાઉ મારું સર્જન કર્યુ.
23સદાકાળથી, આરંભથી, પૃથ્વીનું સર્જન થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું.
24જ્યારે કોઈ જળનિધિઓ ન હતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરણાંઓ ન હતાં ત્યારે મારો જન્મ થયો હતો.
25પર્વતોના પાયા નંખાયા તે અગાઉ, ડુંગરો સર્જાયા તે પૂર્વે મારો જન્મ થયો હતો.
26ત્યાં સુધી યહોવાહે પૃથ્વી અને ખેતરો પણ સૃજ્યાં નહોતાં. અરે! ધૂળ પણ સૃજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
27જ્યારે તેમણે આકાશની સ્થાપના કરી, અને સાગર ઉપર ક્ષિતિજની ગોઠવણી કરી ત્યારે મારું અસ્તિત્વ હતું.
28જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષને સ્થિર કર્યુ; અને જળનીધિના ઝરણાં વહાવ્યા.
29જ્યારે તેમણે સાગરની હદ નિયુક્ત કરી અને તેની મર્યાદાનું ઉલ્લંધન કરવાની તેમણે મના ફરમાવી. અને જ્યારે તેમણે પૃથ્વીના પાયા નાખ્યા.
30ત્યારે કુશળ કારીગર તરીકે હું તેમની સાથે હતું; અને હું દિનપ્રતિદિન તેમને આનંદ આપતું હતું; અને સદા હું તેમની સમક્ષ હર્ષ કરતું હતું.
31તેમની વસતિવાળી પૃથ્વી પર હું હર્ષ પામતું હતું, અને માણસોની સંગતમાં મને આનંદ મળતો હતો.
32મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે મારા માર્ગોનો અમલ કરનાર આશીર્વાદિત છે.