13યહોવાહનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઈ, દુષ્ટમાર્ગ અને અવળું બોલાનારાઓને હું ધિક્કારું છું.
14ડહાપણ તથા કૌશલ્ય મારાં છે; મારી પાસે ઊંડી સમજ અને શક્તિ છે.
15મારા દ્વારા જ રાજાઓ રાજ કરે છે અને રાજકર્તાઓ ન્યાય ચૂકવે છે.
16મારે લીધે રાજકુમારો શાસન કરે છે અને ઉમદા લોકો સાચો ચુકાદો આપે છે.
17મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું; અને જેઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.
18દ્રવ્ય તથા ડહાપણ મારી પાસે છે, મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.
19મારાં ફળ સોના કરતાં ચડિયાતાં છે, ચોખ્ખા સોના કરતાં અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ઠ છે.
20હું સદાચારને માર્ગે ચાલું છું, મારો માર્ગ ન્યાયનો છે,
21મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપું છું અને તેઓના ભંડારો ભરપૂર કરું છું.
22યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં, આદિકૃત્યો અગાઉ મારું સર્જન કર્યુ.
23સદાકાળથી, આરંભથી, પૃથ્વીનું સર્જન થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું.
24જ્યારે કોઈ જળનિધિઓ ન હતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરણાંઓ ન હતાં ત્યારે મારો જન્મ થયો હતો.
25પર્વતોના પાયા નંખાયા તે અગાઉ, ડુંગરો સર્જાયા તે પૂર્વે મારો જન્મ થયો હતો.
26ત્યાં સુધી યહોવાહે પૃથ્વી અને ખેતરો પણ સૃજ્યાં નહોતાં. અરે! ધૂળ પણ સૃજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું.