14શાંત્યર્પણો મારી પાસે તૈયાર કરેલાં છે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે; આજે મેં મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે.
15તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો છે.
16મેં મારા પલંગ ઉપર સુંદર ભરતકામવાળી ચાદરો પાથરી છે તથા મિસરી શણનાં સુંદર વસ્ત્રો બિછાવ્યાં છે.
17મેં મારું બિછાનું બોળ, અગર અને તજથી સુગંધીદાર બનાવ્યું છે.
18ચાલ, આપણે સવાર સુધી ભરપેટ પ્રેમનો અનુભવ કરીએ; આખી રાત મગ્ન થઈ પ્રેમની મજા માણીએ.
19મારો પતિ ઘરે નથી; તે લાંબી મુસાફરીએ ગયો છે.
20તે પોતાની સાથે રૂપિયાની થેલી લઈ ગયો છે; અને તે પૂનમે પાછો ઘરે આવશે.”
21તે ઘણા મીઠા શબ્દોથી તેને વશ કરે છે; અને તે પોતાના હોઠોની ખુશામતથી તેને ખેંચી જાય છે.
22જેમ બળદ કસાઈવાડે જાય છે, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઈ જવાય છે તેમ તે જલદીથી તેની પાછળ જાય છે.
23આખરે તેનું કાળજું તીરથી વીંધાય છે; જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વિના જાળમાં ધસી જાય છે, તેમ તે સપડાઈ જાય છે.
24હવે, મારા દીકરાઓ, સાંભળો; અને મારા મુખનાં વચનો પર લક્ષ આપો.
25તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે; તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ.
26કારણ, તેણે ઘણાંને ઘાયલ કર્યા છે, તેઓને મારી નાખ્યા છે; અને તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા પુષ્કળ છે.
27તેનું ઘર મૃત્યુના માર્ગે છે; એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.