11મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેમના ઠપકાથી કંટાળી ન જા.
12કેમ કે જેમ પિતા પોતાના પુત્રને ઠપકો આપે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે.
13જે માણસને ડહાપણ મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તે આશીર્વાદિત છે.
14કેમ કે તેનો વેપાર ચાંદીના વેપાર કરતાં અને તેનો વળતર ચોખ્ખા સોનાના વળતર કરતાં શ્રેષ્ઠ છે.
15ડહાપણ માણેક કરતાં વધારે મૂલ્યવાન છે અને તારી મનગમતી કોઈપણ વસ્તુ તેની બરાબરી કરી શકે તેમ નથી.
16તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે.
17તેના માર્ગો સુખદાયક અને તેના બધા રસ્તા શાંતિપૂર્ણ છે.
18જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે, જેઓ તેને દૃઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે.
19યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે.
20તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે.
21મારા દીકરા, સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ, તેઓને તારી નજર આગળથી દૂર થવા ન દે.
22તો તેઓ તારા આત્માનું જીવન અને તારા ગળાની શોભા થશે.
23પછી તું તારા માર્ગમાં સુરક્ષિત જઈ શકીશ અને તારો પગ ઠોકર ખાઈને લથડશે નહિ.
24જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે.
25જ્યારે આકસ્મિક ભય આવી પડે અથવા દુષ્ટ માણસોની પાયમાલી થાય ત્યારે તું ગભરાઈશ નહિ.
26કેમ કે યહોવાહ તારી સાથે રહેશે અને તારા પગને સપડાઈ જતાં બચાવશે.
27હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનું હિત કરવામાં પાછો ન પડ.
28જ્યારે તારી પાસે પૈસા હોય, ત્યારે તારા પડોશીને એમ ન કહે, “જા અને ફરીથી આવજે, આવતીકાલે હું આપીશ.”
29જે વ્યક્તિ તારી પડોશમાં નિર્ભય રહે છે, તેવા તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર.
30કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, તો તેની સાથે કારણ વગર તકરાર ન કર.