1યાકેના દીકરા આગૂરનાં વચનો છે, જે ઈશ્વરવાણી છે: કોઈ માણસ ઇથિયેલને, ઇથિયેલ તથા ઉક્કાલને આ પ્રમાણે કહે છે:
2નિશ્ચે હું કોઈ પણ માણસ કરતાં અધિક પશુવત છું અને મારામાં માણસ જેવી બુદ્ધિ નથી.
3હું ડહાપણ શીખ્યો નથી કે નથી મારામાં પવિત્ર ઈશ્વરનું ડહાપણ.
4આકાશમાં કોણ ચઢ્યો છે અને પાછો નીચે ઊતર્યો છે? કોણે હવાને પોતાની મુઠ્ઠીમાં બાંધી રાખી છે? કોણે પોતાનાં વસ્ત્રમાં પાણી બાંધી લીધાં છે? પૃથ્વીની સર્વ સીમાઓ કોણે સ્થાપી છે? જો તું ખરેખર જાણતો હોય, તો કહે તેનું નામ શું છે? અને તેના દીકરાનું નામ શું છે?
5ઈશ્વરનું દરેક વચન પરખેલું છે, જેઓ ઈશ્વર પર ભરોસો રાખે છે તેઓના માટે તે ઢાલ છે.
6તેમનાં વચનોમાં તું કશો ઉમેરો કરીશ નહિ, નહિ તો તે તને ઠપકો આપશે અને તું જૂઠો પુરવાર થઈશ.
7હું તમારી પાસે બે વરદાન માગું છું, મારા મૃત્યુ અગાઉ મને તેની ના પાડશો નહિ.
8અસત્ય અને વ્યર્થતાને મારાથી દૂર રાખજો, મને દરિદ્રતા કે દ્રવ્ય પણ ન આપશો; મને જરૂર જેટલી રોટલી આપજો.
9નહિ તો કદાચ હું વધારે છલકાઈ જાઉં અને તમારો નકાર કરીને કહું કે, “ઈશ્વર તે વળી કોણ છે?” અથવા હું કદાચ ગરીબ થઈને ચોરી કરું અને મારા ઈશ્વરના નામની નિંદા કરું.
10નોકરની ખરાબ વાતો જે ખોટી છે તે તેના માલિક આગળ ન કર રખેને તે તને શાપ આપે અને તેણે જે કર્યું હતું તેને માટે તું દોષપાત્ર ઠરે.
11એવી પણ એક પેઢી છે કે જે પોતાનાં પિતાને શાપ આપે છે અને પોતાની માતાને આશીર્વાદ આપતી નથી.