8જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે.
9મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે.
10પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.
11કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.
12શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે.
13બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ.
14જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે.
15મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે.
16જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતઃકરણ હરખાશે.
17તારા મનમાં પાપીની ઇર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે.
18ત્યાં ચોક્કસ ભવિષ્ય છે અને તારી આશા સાર્થક થશે.
19મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે.
20દ્રાક્ષારસ પીનારાઓની અથવા માંસના ખાઉધરાની સોબત ન કર.
21કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે.
22તારા પોતાના પિતાનું કહેવું સાંભળ અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.
23સત્યને ખરીદ, પણ તેને વેચીશ નહિ; હા, ડહાપણ, શિખામણ તથા બુદ્ધિને પણ ખરીદ.
24નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે.
25તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર.
26મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે.
27ગણિકા એક ઊંડી ખાઈ છે અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે.