8જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે.
9ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.
10ઘમંડી વ્યક્તિને દૂર કર એટલે ઝઘડો પણ સમી જશે અને મારામારી તથા અપમાનનો અંત આવશે.
11જે હૃદયની શુદ્ધતા ચાહે છે તેના બોલવાના પ્રભાવને લીધે રાજા તેનો મિત્ર થશે.
12યહોવાહની દૃષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે, પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે.
13આળસુ કહે છે, “બહાર તો સિંહ છે! હું રસ્તામાં માર્યો જઈશ.”
14પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે; જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે.
15મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાયેલી છે, પણ શિક્ષાની સોટી તેનામાંથી તેની મૂર્ખાઈને દૂર કરશે.
16પોતાની માલમિલકત વધારવાને માટે જે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને બક્ષિશ આપે છે તે પોતે કંગાલાવસ્થામાં આવશે.
17જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ અને મારા ડહાપણ પર તારું અંતઃકરણ લગાડ.
18કેમ કે જો તું તેઓને તારા અંતરમાં રાખે અને જો તેઓ બન્ને તારા હોઠો પર સ્થિર થાય તો તે સુખકારક છે.
19તારો ભરોસો યહોવાહ પર રહે, માટે આજે મેં તને, હા, તને તે જણાવ્યાં છે.
20મેં તારા માટે સુબોધ અને ડહાપણની ત્રીસ કહેવતો એટલા માટે લખી રાખી છે કે,
21સત્યનાં વચનો તું ચોક્કસ જાણે જેથી તને મોકલનાર છે તેની પાસે જઈને સત્ય વચનોથી તું તેને ઉત્તર આપે?
22ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમ જ રસ્તાઓમાં પડી રહેલા ગરીબો પર પણ જુલમ ન કર,
23કારણ કે યહોવાહ તેમનો પક્ષ કરીને લડશે અને જેઓ તેઓનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.