1સારું નામ એ પુષ્કળ ધન કરતાં અને પ્રેમયુક્ત રહેમનજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે.
2દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કે યહોવાહે તે બન્નેના ઉત્પન્નકર્તા છે.
3ડાહ્યો માણસ આફતને આવતી જોઈને સંતાઈ જાય છે, પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.
4વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવન એ યહોવાહના ભયનાં ફળ છે.
5આડા માણસના માર્ગમાં કાંટા અને ફાંદા છે; જે માણસને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે.
6બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ અને જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેમાંથી તે ખસે નહિ.
7ધનવાન ગરીબ ઉપર સત્તા ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે.