5મૂર્ખ પોતાના પિતાની શિખામણને તુચ્છ ગણે છે, પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.
6નેકીવાનોના ઘરમાં ધનનો ભંડાર છે, પણ દુષ્ટની કમાણીમાં આફત હોય છે.
7જ્ઞાની માણસના હોઠો ડહાપણ ફેલાવે છે, પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે.
8દુષ્ટના યજ્ઞાર્પણને યહોવાહ ધિક્કારે છે, પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.
9દુષ્ટના માર્ગથી યહોવાહ કંટાળે છે, પરંતુ નીતિને માર્ગે ચાલનાર પર તે પ્રેમ દર્શાવે છે.
10સદ્દ્માર્ગને તજી દઈને જનારને આકરી સજા થશે, અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરણ પામશે.
11શેઓલ તથા અબદોન (વિનાશ) યહોવાહ સમક્ષ ખુલ્લાં છે; તો માણસોનાં હૃદય કેટલાં વિશેષ ખુલ્લાં હોવાં જોઈએ?
12તિરસ્કાર કરનારને કોઈ ઠપકો આપે તે તેને ગમતું હોતું નથી; અને તે જ્ઞાની માણસની પાસે જવા પણ ઇચ્છતો નથી.
13અંતરનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે, પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે.
14જ્ઞાની હૃદય ડહાપણની ઇચ્છા રાખે છે, પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઈ છે.
15જેઓને સતાવવામાં આવે છે તેઓના સર્વ દિવસો ખરાબ જ છે, પણ ખુશ અંતઃકરણવાળાને તો સતત મિજબાની જેવું હોય છે.