2જે વિશ્વનીયતામાં ચાલે છે તે યહોવાહનો ડર રાખે છે, પણ જે પોતાના માર્ગોમાં અવળો ચાલે છે તે તેને ધિક્કારે છે.
3મૂર્ખના મુખમાં અભિમાનની સોટી છે, પણ જ્ઞાનીઓના હોઠ તેઓનું રક્ષણ કરે છે.
4જ્યાં બળદ ન હોય ત્યાં ગભાણ સાફ જ રહે છે, પણ બળદના બળથી ઘણી ઊપજ થાય છે.
5વિશ્વાસુ સાક્ષી જૂઠું બોલશે નહિ, પણ જૂઠો સાક્ષી જૂઠું જ બોલે છે.
6હાંસી ઉડાવનાર ડહાપણ શોધે છે પણ તેને જડતું નથી, પણ ડાહી વ્યક્તિ પાસે ડહાપણ સહેલાઈથી આવે છે.
7મૂર્ખ માણસથી દૂર રહેવું, તેની પાસે તને જ્ઞાનવાળા શબ્દો સાંભળવા નહિ મળે,
8પોતાનો માર્ગ સમજવામાં ડાહ્યા માણસનું ડહાપણ છે, પણ મૂર્ખની મૂર્ખાઈ તેનું કપટ છે.
9મૂર્ખ પ્રાયશ્ચિત્તને હસવામાં ઉડાવે છે, પણ પ્રામાણિક માણસો ઈશ્વરની કૃપા મેળવે છે.