13શિખામણને નકારનારનો નાશ થાય છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે.
14જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે, જે તે વ્યક્તિને મૃત્યુના ફાંદામાંથી ઉગારી લે છે.
15સારી સમજવાળાને કૃપા મળે છે, પણ કપટીનો માર્ગ ખરબચડો છે.
16પ્રત્યેક ડાહ્યો માણસ ડહાપણથી નિર્ણય લે છે; પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.
17દુષ્ટ સંદેશાવાહક મુશ્કેલીમાં સપડાઈ જાય છે, પણ વિશ્વાસુ સંદેશવાહક સમાધાન લાવે છે.
18જે શિખામણનો ત્યાગ કરે છે તેને ગરીબી અને અપમાન પ્રાપ્ત થાય છે, પણ ઠપકાનો સ્વીકાર કરે છે તેને માન મળે છે.
19ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે, પણ દુષ્ટતાથી પાછા વળવું એ મૂર્ખોને આઘાતજનક લાગે છે.
20જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પણ જે મૂર્ખની સોબત કરે છે તેને નુકસાન થશે.
21પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે, પણ જે સારા માણસો છે તેઓને હિતકારક બદલો મળશે.
22સારો માણસ પોતાનાં સંતાનોનાં સંતાનોને માટે વારસો મૂકી જાય છે, પણ પાપીનું ધન નેકીવાનને સારુ ભરી મૂકવામાં આવે છે.
23ગરીબોના ખેતરમાં ઘણું અનાજ ઊપજે છે, પણ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે.
24જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.
25નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે, પણ દુષ્ટનું પેટ હંમેશાં ભૂખ્યુંને ભૂખ્યું જ રહે છે.