1સુલેમાનનાં નીતિવચનો. જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે.
2દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી, પરંતુ સદાચારી જીવન વ્યક્તિને મોતથી ઉગારે છે.
3યહોવાહ સદાચારી માણસને ભૂખથી મૃત્યુ પામવા દેશે નહિ પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નિષ્ફળ કરે છે.
4નિરુદ્યમી હાથોથી કામ કરનાર દરિદ્રી થાય છે. પણ ઉદ્યમીઓનો હાથ તેને ધનવાન બનાવે છે.
5ડાહ્યો દીકરો ઉનાળામાં સંગ્રહ કરે છે પણ કાપણીના સમયે સૂઈ રહેનાર દીકરો બદનામી કરાવે છે.
6સદાચારીના માથા ઉપર આશીર્વાદ ઊતરે છે, પણ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે.
7સદાચારીનું સ્મરણ આશીર્વાદરૂપ છે; પરંતુ દુષ્ટોનું નામ તો શાપિત થાય છે.
8જ્ઞાની હૃદયવાળો આજ્ઞાઓનો સ્વીકાર કરશે, પણ લવરી કરનારો મૂર્ખ પાયમાલ થશે.
9જે વ્યક્તિ પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે, પરંતુ અવળે માર્ગે ચાલનાર ઓળખાઈ જશે.
10જે વ્યક્તિ આંખ મિચકારે છે તે મુશ્કેલીઓ વહોરે છે, પણ બકબકાટ કરનાર મૂર્ખ નાશ પામશે.
11સદાચારીનું મુખ જીવનનો ઝરો છે, પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે.
12દ્વ્રેષથી ઝઘડા ઊભા થાય છે, પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે.
13જ્ઞાની માણસના હોઠો પર ડહાપણ માલૂમ પડે છે, જ્યારે મૂર્ખની પીઠને માટે લાકડી છે.
14જ્ઞાની પુરુષ ડહાપણનો સંગ્રહ કરે છે, પરંતુ મૂર્ખનું મોં ઝડપી નાશ નોતરે છે.
15દ્રવ્યવાન માણસનું ઘન તેનું કિલ્લેબંધીવાળું નગર છે; પરંતુ ગરીબી ગરીબોનો નાશ કરે છે.
16સદાચારી માણસની કમાણી જીવન સાધક છે; પણ દુષ્ટ માણસની પેદાશ પાપકારક છે.