Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - લેવીય - લેવીય 6

લેવીય 6:9-30

Help us?
Click on verse(s) to share them!
9“હારુન તથા તેના પુત્રોને આજ્ઞા કર કે, 'આ દહનીયાર્પણના નિયમો છે: દહનીયાર્પણો આખી રાત સવાર સુધી વેદી પરની કઢાઈ ઉપર રહે અને વેદીના અગ્નિને તેની ઉપર સળગતો રાખવો.
10અને યાજક અંદર તથા બહાર શણનાં વસ્ત્રો પહેરે. અગ્નિએ ભસ્મ કરેલા વેદી પરના દહનીયાર્પણની રાખ લઈને તે વેદીની બાજુમાં ભેગી કરે.
11તે પોતાના વસ્ત્રો બદલે અને બીજા વસ્ત્રો પહેરીને તે રાખને છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ લઈ જાય.
12વેદી પરનો અગ્નિ સતત સળગતો રાખવો. તેને હોલવાઈ જવા ન દેવો અને પ્રતિદિન સવારે યાજક તે પર લાકડાં બાળે. તે તેના ઉપર દહનીયાર્પણ ગોઠવે અને તેના ઉપર શાંત્યર્પણની ચરબીનું દહન કરે.
13વેદીનો અગ્નિ સતત સળગતો રાખવો. તેને હોલવાઈ જવા ન દેવો.
14ખાદ્યાર્પણનો નિયમ આ છે: હારુનના પુત્રો ખાદ્યાર્પણને યહોવાહની સમક્ષ વેદી સામે ચઢાવે.
15યાજક ખાદ્યાર્પણોમાંથી એક મુઠ્ઠી ભરીને મેંદો, તેલ અને બધું જ લોબાન પ્રતીક તરીકે લઈને યહોવાહને માટે સુવાસને અર્થે વેદી પર તેનું દહન કરે.
16તેમાંથી જે બાકી રહે તે હારુન તથા તેના પુત્રો ખાય. તેને પવિત્ર જગ્યામાં ખમીર વગર ખાવું. મુલાકાતમંડપનાં આંગણામાં તેઓ તે ખાય.
17તેને ખમીર સહિત શેકવું નહિ. મેં અગ્નિ દ્વારા મળેલ ખાદ્યાર્પણના તેમના ભાગરૂપે તેમને આપેલા છે. પાપાર્થાર્પણની જેમ તથા દોષાર્થાર્પણની જેમ તે પરમપવિત્ર છે.
18હારુનના વંશજોમાંની કોઈ પણ વ્યક્તિ તે ખાઈ શકશે, યહોવાહને અગ્નિથી ચઢાવેલા ખાદ્યાર્પણના અર્પણનો તેમને પેઢી દર પેઢી કાયમનો ભાગ મળશે. જે કોઈ તેનો સ્પર્શ કરશે તે શુદ્ધ બની જશે.'”
19તેથી યહોવાહે મૂસાને ફરીથી કહ્યું,
20“હારુનનો અભિષેક થાય તે દિવસે તેણે તથા તેના પુત્રોએ યહોવાહને માટે આ અર્પણ કરવું: એટલે ખાદ્યાર્પણને માટે નિયમિત એક દશાંશ એફોદ મેંદાનો લોટ, તેમાંથી અર્ધો સવારે તથા અર્ધો સાંજે અર્પણ કરવામાં આવે.
21તેને ભઠ્ઠીમાં તવી ઉપર તેલથી તળવામાં આવે. જ્યારે તે તળાઈ જાય ત્યારે તેને અંદર લાવવો. તળેલા મેંદાના ચોસલાં પાડીને યહોવાહ સમક્ષ સુવાસને અર્થે તારે ખાદ્યાર્પણ ચઢાવવું.
22તેના પુત્રોમાંનો જે અભિષિક્ત યાજક તેની પદવીએ આવે તે તે ચઢાવે. હંમેશના વિધિથી તેનું યહોવાહને માટે પૂરેપૂરું દહન કરાય.
23યાજકના પ્રત્યેક ખાદ્યાર્પણનું પૂરેપૂરું દહન કરવું. તે ખાવું નહિ.”
24યહોવાહે ફરીથી મૂસાને કહ્યું,
25“હારુન તથા તેના પુત્રોને એમ કહે કે, 'પાપાર્થાર્પણનો નિયમ આ છે: જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં યહોવાહની આગળ પાપાર્થાર્પણ પણ કપાય છે. તે પરમપવિત્ર છે.
26જે યાજક પાપને માટે તેનું અર્પણ કરે, તે એ ખાય. મુલાકાતમંડપના આંગણામાં, એટલે પવિત્રસ્થાને જમવું.
27જે કોઈ તેના માંસનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય અને જો તેનું રક્ત કોઈપણના વસ્ત્ર પર પડે, તો જેના પર તે પડ્યું હોય, તેને તારે પવિત્રસ્થાને ધોઈ નાખવું.
28પણ માટીનાં જે વાસણમાં માંસને બાફ્યું હોય તે માટીના વાસણને ભાંગી નાખવું. જો માંસ પિત્તળના વાસણમાં બાફ્યું હોય, તો તેને ઘસીને ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું.
29યાજકમાંનો કોઈ પણ પુરુષ તેમાંથી થોડું ખાય કેમ કે તે પરમપવિત્ર છે.
30અને જેના રક્તમાંનું પવિત્રસ્થાનમાં પ્રાયશ્ચિત કરવા માટે મુલાકાતમંડપમાં કંઈ લાવવામાં આવ્યું હોય, તેવું કોઈ પાપાર્થાર્પણ ખવાય નહિ. તેને અગ્નિમાં બાળી નાખવું.

Read લેવીય 6લેવીય 6
Compare લેવીય 6:9-30લેવીય 6:9-30