20જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે જગ્યા શહેરની પાસે હતી અને તે લખાણ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલું હતું, માટે ઘણાં યહૂદીઓએ તે વાંચ્યું.
21તેથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે, 'યહૂદીઓનો રાજા,' એમ ન લખો, પણ તેણે કહ્યું કે, 'હું યહૂદીઓનો રાજા છું.' એમ લખો.
22પિલાતે ઉત્તર આપ્યો કે, 'મેં જે લખ્યું તે લખ્યું.'
23સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેમના વસ્ત્રો લઈ લીધાં અને તેના ચાર ભાગ પાડ્યા, દરેક સિપાઈને માટે એક; ઝભ્ભો પણ લઈ લીધો હતો; તે ઝભ્ભો સાંધા વગરનો ઉપરથી આખો વણેલો હતો.
24પછી તેઓએ પરસ્પર કહ્યું કે, 'આપણે તેને ફાડીએ નહિ; પણ તે કોને મળે તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખીએ!' 'તેઓએ પરસ્પર મારાં વસ્ત્રો વહેંચી લીધાં અને મારા ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખી.' એમ નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે પૂર્ણ થાય માટે આ બન્યું, તેથી એ કાર્ય સિપાઈઓએ કર્યુ.
25પણ ઈસુના વધસ્તંભ પાસે તેમના મા, તેમના માસી, ક્લોપાસની પત્ની મરિયમ તથા મગ્દલાની મરિયમ ઊભા રહેલાં હતાં.
26તેથી જયારે ઈસુએ પોતાની માને તથા જેનાં પર પોતે પ્રેમ કરતા હતા તે શિષ્યને પાસપાસે ઊભા રહેલાં જોયાં, ત્યારે તેમણે પોતાની માને કહ્યું કે, 'બાઈ, જો તારો દીકરો!'