Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યાકૂબનો પત્ર

યાકૂબનો પત્ર 2

Help us?
Click on verse(s) to share them!
1મારા ભાઈઓ, તમે પક્ષપાત વિના આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો.
2કેમ કે જેની આંગળીએ સોનાની વીંટી હોય તથા જેનાં અંગ પર સુંદર કિંમતી વસ્ત્ર હોય, એવો માણસ જો તમારી સભામાં આવે અને જો ગંદા વસ્ત્ર પહેરેલો એક ગરીબ માણસ પણ આવે;
3ત્યારે તમે સુંદર કિંમતી વસ્ત્ર ધારણ કરેલા માણસને માન આપીને કહો છો, 'તમે અહીં ઉત્તમ સ્થાને બેસો,' પણ પેલા ગરીબને કહો છો, 'તું ત્યાં ઊભો રહે,' અથવા 'અહીં મારા પગનાં આસન પાસે બેસ;'
4તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતયુક્ત વિચારો સાથે આચરણ કરતા નથી?
5મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો; વિશ્વાસમાં ધનવાન થવા સારુ તથા ઈશ્વરે પોતાના લોકો પર પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું આશાવચન આપ્યું છે તેનું વતન પામવા સારુ, ઈશ્વરે આ માનવજગતના ગરીબોને પસંદ નથી કર્યા?
6પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ નથી કરતા? અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી?
7જે ઉત્તમ નામથી તમે ઓળખાઓ છો, તેની નિંદા કરનારા શું તેઓ નથી?
8તોપણ શાસ્ત્રવચન પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે, 'તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ,' તે નિયમ જો તમે પૂરેપૂરો પાળો છો, તો તમે ઘણું સારું કરો છો;
9પણ જો તમે ભેદભાવ રાખો છો, તો પાપ કરો છો, નિયમશાસ્ત્રનો ભંગ કરનારા તરીકે નિયમશાસ્ત્રથી અપરાધી ઠરો છે.
10કેમ કે જે કોઈ પૂરેપૂરું નિયમશાસ્ત્ર પાળશે અને ફક્ત એક જ બાબતમાં ભૂલ કરશે, તે સર્વ સંબંધી અપરાધી ઠરે છે.
11કેમ કે જેમણે કહ્યું, 'તું વ્યભિચાર ન કર, 'તેમણે જ કહ્યું કે, 'તું હત્યા ન કર;' માટે જો તું વ્યભિચાર ન કરે, પણ જો તું હત્યા કરે છે, તો તું નિયમશાસ્ત્રનો ભંગ કરનારો થયો છે.
12સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વર્તો.
13કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર કરાશે; ન્યાય પર દયા વિજય મેળવે છે.
14મારા ભાઈઓ, જો કોઈ કહે છે કે, 'મને વિશ્વાસ છે,' પણ જો તેને કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે છે?
15જો કોઈ ભાઈ અથવા બહેન નિર્વસ્ત્ર હોય અને રોજનો પૂરતો ખોરાક ન હોય,
16અને તમારામાંનો કોઈ તેઓને કહે કે 'શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;' તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો શો લાભ થાય?
17તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિર્જીવ છે.
18હા, કોઈ કહેશે, 'તને વિશ્વાસ છે અને મને કરણીઓ છે; તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ.'

19તું વિશ્વાસ કરે છે કે, ઈશ્વર એક છે; તો તું સારું કરે છે; દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે.
20પણ ઓ નિર્બુદ્ધ માણસ, કાર્યો વગર વિશ્વાસ નિર્જીવ છે, તે જાણવાની તું ઇચ્છા રાખે છે?
21આપણા પૂર્વજ ઇબ્રાહિમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઇસહાકનું અર્પણ કર્યું; તેમ કરીને કૃત્યોથી તેને ન્યાયી ઠરાવવાંમાં આવ્યો નહિ?
22તું જુએ છે કે તેના કૃત્યો સાથે વિશ્વાસ હતો અને કૃત્યોથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો;
23એટલે આ શાસ્ત્રવચન સત્ય ઠર્યું કે જેમાં કહેલું છે, 'ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે તેને માટે ન્યાયીપણા અર્થે ગણવામાં આવ્યો; અને તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો.'
24તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહિ, પણ કૃત્યોથી મનુષ્યને ન્યાયી ઠરાવવાંમાં આવે છે.
25તે જ પ્રમાણે જયારે રાહાબ ગણિકાએ જાસૂસોનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કૃત્યોથી ન્યાયી ઠરાવવાંમાં આવી નહિ?
26કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ જ વિશ્વાસ પણ કાર્યો વગર નિર્જીવ છે.