Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રકટીકરણ

પ્રકટીકરણ 22

Help us?
Click on verse(s) to share them!
1સ્ફટિકના જેવી ચળકતી, જીવનનાં પાણીની નદી, ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી વહેતી નગરના માર્ગ વચ્ચે બતાવી.
2એ નદીના બંને કિનારા પર જીવનનું વૃક્ષ હતું, તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં; દર માસે તે નવાં ફળ આપતું હતું; અને તે વૃક્ષ નાં પાંદડાં સર્વ પ્રજાઓને નીરોગી કરવા માટે હતાં.
3ત્યાં કદી કોઈ શાપ થનાર નથી, પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે,
4તેઓ તેમનું મોં નિહાળશે. અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે.
5ફરીથી રાત પડશે નહિ; તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે, અને તેઓ સદાસર્વકાળ રાજ્ય કરશે.
6તેણે મને કહ્યું કે, 'એ વાતો વિશ્વસનીય તથા સાચી છે; અને પ્રભુ જે પ્રબોધકોના આત્માઓના ઈશ્વર છે તેમણે જે થોડા સમયમાં થવાનું છે તે પોતાના સેવકોને બતાવવા સારુ પોતાના સ્વર્ગદૂતને મોકલ્યો છે.
7જુઓ, હું થોડીવારમાં આવું છું, આ પુસ્તકમાંના ભવિષ્યવચનો જે પાળે છે તે આશીર્વાદિત છે.'
8જેણે એ સાંભળ્યું તથા જોયું છે તે હું યોહાન છું; અને જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે સ્વર્ગદૂતે મને એ બિના બતાવી, તેનું ભજન કરવા હું તેની આગળ નમ્યો.
9પણ તેણે મને કહ્યું કે, 'જોજે, એમ ન કર, હું તો તારો તથા તારા સાથી પ્રબોધકોનો ભાઈઓ અને બહેનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાનો સાથી સેવક છું; તું ઈશ્વરનું ભજન કર.'
10તેણે મને કહ્યું કે, 'આ પુસ્તકમાંના ભવિષ્ય વચનોને સીલથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે.
11જે અન્યાયી છે તે હજી અન્યાય કર્યા કરે, જે મલિન છે તે હજુ મલિન થતો જાય, અને જે ન્યાયી છે તે ન્યાયી કૃત્યો કર્યો કરે, અને જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય.
12જુઓ, હું થોડીવારમાં આવું છું, અને દરેકનું જેવું કામ હશે તે પ્રમાણે તેને ભરી આપવાનો બદલો મારી પાસે છે.
13હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આરંભ તથા અંત છું.
14જીવનનાં વૃક્ષ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે તે માટે જેઓ પોતાનાં વસ્ત્ર ધોવે છે તેઓ આશીર્વાદિત છે.
15કૂતરા, તાંત્રિકો, વ્યભિચારીઓ, હત્યારાઓ, મૂર્તિપૂજકો તથા જેઓ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બધા નગરની બહાર છે.
16મેં ઈસુએ મારા સ્વર્ગદૂતને મોકલ્યો છે કે તે વિશ્વાસી સમુદાયને સારુ આ સાક્ષી તમને આપે. હું દાઉદનું મૂળ, સંતાન તથા પ્રભાતનો ઉજ્જવળ તારો છું.
17આત્મા તથા કન્યા બંને કહે છે કે, 'આવો;' અને જે સાંભળે છે તે એમ કહે કે, 'આવો,' અને જે તૃષિત હોય. તે આવે; જેની ઇચ્છા હોય તે જીવનનું જળ મફત લે.
18આ પુસ્તકમાંના ભવિષ્યવચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગન દઈને કહું છું, 'જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલી આફતો વધારશે;

19અને જો કોઈ આ ભવિષ્યવચનના પુસ્તકનાં વચનોમાંથી કંઈ પણ રદ કરશે, તો ઈશ્વર તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી તથા પવિત્ર નગરમાંથી, જેમનાં વિષે આ પુસ્તકમાં લખેલું છે તેમાંથી કાઢી નાખશે.'
20જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે, 'હા, થોડીવારમાં આવું છું.' આમીન, 'ઓ પ્રભુ ઈસુ, આવો.'
21પ્રભુ ઈસુની કૃપા સંતો પર હો, આમીન.